મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગર, વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઈને લોકોમાં એક ડર ઊભો થયો છે. ગાંધીનગરમાં ગઈકાલે ત્રણ નિષ્ફળ પ્રયાસો થયા જેમાં સફેદ રંગના બાઈકનો ઉપયોગ કરીને શખ્સોએ બાળકોને ઉઠાવવાના પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હતા જે અંગે સેક્ટર 6 સ્ટેશનમાં અરજી થઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીને ઉઠાવી ગયાની ઘટના બનતા આ વાતને વધુ વેગ મળ્યો છે. આજે ત્રણ દિવસ થઈ ગયા છતાં પોલીસ તે બાળકીને શોધી શકી નથી. સફેદ રંગની નંબર વગરની બાઈક લઈને આ શખ્સોએ ગાંધીનગરમાં ત્રણ પ્રયાસ કર્યા હતા. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા વડોદરામાં પણ બની છે.

આ અંગે એક અરજી પોલીસમાં થઈ છે જેમાં જણાવ્યું હતું કે, સેક્ટર 5 સીમાં ત્રણ બાળકોને ઉપાડવાનો પ્રયત્ન થયો છે. ગાંધીનગરમાં બાળકો ઉઠાવનારી ગેંગ સક્રિય થઈ છે. અમે આ અંગેના કેટલાક બનાવો અહીં ટાંકીએ છીએ. એક ઘટનામાં 10 સપ્ટેમ્બરે રામનિવાસ રામચંદ્રન મિસ્ત્રીના ઘર પાસે તેમની દીકરી અને અન્ય બાળકો રમી રહ્યા હતા. તેમના પ્લોટ પાસે એક સફેદ રંગની યામાહા બાઈક પર બે શખ્સો આવ્યા અને તેમની બેબીને પકડી ખેંચી લીધી હતી પરંતુ તેમનો છોકરો બારેક વર્ષનો છે તેણે તુરંત તેને ખેંચી લીધી અને બૂમાબૂમ કરી મુકી જેથી ડરના માર્યા તે શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.

અન્ય એક બનાવમાં તેમણે લખ્યું છે કે, બીજા દિવસે 11મી સપ્ટેમ્બરે અગાઉના બનાવ સ્થળથી થોડે દૂર નરેશ બી ગઢવીના 13 વર્ષિય પુત્રને તેવો જ એક બાઈક વાળો બપોરના સમયે આવ્યો અને તેમના દિકરાને થોડે દૂર ઊભા રહી બોલાવ્યો અને કહ્યું કે તું વધુ નજીક આવ અને મંદિરનું એડ્રેસ પુછવાનું હતું. જોકે તેમના દિકરાએ કોરોના કાળ ચાલતો હોવાને કારણે નજીક જવાની ના પાડી અને નજીક નહીં આવું કોરોના છે તેવું કહ્યું હતું. જોકે બાદમાં તે શખ્સોએ તેને કોઈ મંદિરનું નામ લીધું અને બાઈક પાછળ બેસી જા અને અમને બતાવ તેવું કહ્યું તો તેમના દિકરાએ જવાબ આપ્યો કે મેં મંદિર જોયું નથી અને તુરંત ઘરે પાછો આવી ગયો. તે શખ્સોને અહીં રેકી કરતાં કેટલાક સ્થાનીકોએ જોયો હતો.

જે પછી ત્રીજો બનાવ 13મી સપ્ટેમ્બરે બન્યો હતો જેમાં એક વ્યક્તિની પુત્રી અંદાજે દસેક વર્ષની, તેને તેની માતાએ દુકાને મહેંદી લેવા મોકલી હતી. બપોરના આશરે સાડા ત્રણ વાગ્યા હશે તે દુકાનેથી પરત આવી ત્યારે ઘરની બહાર જ સફેદ બાઈકવાળો બાઈક ચાલુ રાખીને ઊભો હતો. તેણે આ બેબીને ગેટ આગળ ઊભી રાખી પુછ્યું કે સેક્ટર 5 સી આ જ છે? તો બાળકીએ હા પાડી અને તે ગેટની અંદર દાખલ થઈ જ રહી હતી કે તે પૈકીના એક શખ્સે પાછળથી ફ્રોક પડીને તેને ખેંચી તો તે વખતે તેમના પડોશી નરેશભાઈ ત્યાં જ બાલ્કનીમાં ઊભા હતા જે આ જોઈ ગયા. તેઓ તુરંત નીચે દોડી આવ્યા અને બેબીએ પણ બૂમો પાડી તો બાઈકવાળા શખ્સો ત્યાંથી બાઈક લઈ ફરાર થઈ ગયા હતા. નજરે જોનારાએ કહ્યું કે જીન્સનું પેન્ટ અને પીળી તથા વાદળી ટીશર્ટ વાળું ચેક્સ સર્ટ પહેર્યું તું. તેના પગમાં ચપ્પલ હતા અને મોંઢા પર આખો રૂમાલ બાધ્યો હતો, ચશ્મા હતા. અહીંના સ્થાનીકોએ આ અંગે પોલીસ પાસે મદદ માગી છે અને બાળકોને બચાવવાની અરજ કરી છે. આ ઘટનાઓ બન્યા પછી અહીંના લોકો કે જેમના ઘરમાં બાળકો છે તેઓના જીવ સતત ફફળી રહ્યા છે.

અમદાવાદ અને વડોદરામાં પણ ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે સોલા વિસ્તારની 7 વર્ષની ખુશી નામની દીકરી હજુ પણ ત્રણ દિવસથી મળી આવી નથી. પોલીસ શોધવાની મહેનત કરી રહી છે પરંતુ પોલીસના હાથે હજુ સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત વડોદરામાં ત્રણ દિવસમાં ત્રણ બાળકોના અપહરણ થઈ ચુક્યા છે. 

વડોદરામાં થોડા દિવસ પહેલા વાડી પોલીસ મથકની હદમાં અજાણી મહિલા 2 બાળકોને રિક્ષામાં બેસાડીને ત્યાંથી જાણે હવામાં જ ઓગળી ગઈ હોય તે રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે ગણતરીના કલાકમાં વાડી પોલીસે મામલો પહોંચ્યો પણ તે મહિલા બંને બાળકોને પરત છોડી જતાં મામલો પછી ચોપડે નોંધાયો ન્હોતો. ઉપરાંત મૂળ મહેસાણાના અને હાલ લાલબાગ બ્રીજ નીચે રહેતા ચંદૂભાઈ દેવીપૂજકનો 9 વર્ષનો પુત્ર બ્રીજ નીચે જ રમતો હતો ત્યારે ત્યાંથી તેના પરિજનોની નજર હટી કે તે પણ અચાનક ત્યાંથી ગુમ થઈ ગયો હતો. પરિજનોએ ઘણી શોધ કરી પણ તે મળી આવ્યો નહીં. આખરે નવાપુરા પોલીસ મથકે તેની ફરિયાદ નોંધવામાં આવી છે  આ વ્યક્તિ શ્રમજીવી છે.