મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને પગલે અમદાવાદ સહિત ચાર શહેરોમાં હજુ રાત્રી કરફ્યૂ યથાવત છે અને અત્યાર સુધી અમદાવાદમાં શુક્રવાર રાત્રીથી સોમવાર સવાર સુધીનો દિવસ દરમિયાનનો પણ કરફ્યૂ રહ્યો. જોકે કોરોનાની સ્થિતિને કારણે સર્જાયેલી આ સ્થિતિને પગલે ગાંધીનગર ખાતે આવેલા બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાય (બીએપીએસ)ના અક્ષરધામ મંદિર દ્વારા 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું ગાંધીનગર બીએપીએસ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય તેમના સ્વાસ્થ્યની ચિંતાને લઈને લેવામાં આવ્યો છે.

જોકે બીજી તરફ અમદાવાદ ખાતેના કેમ્પ હનુમાન મંદિરને આજથી શરુ કરવામાં આવ્યું છે. આ મંદિર છેલ્લા 8 મહિનાથી બંધ હતું. જેને ખોલવાને લઈને થોડો વિવાદ પણ ચાલ્યો હતો પરંતુ આખરે આજે આ મુંદર ખુલતાં જ વહેલી સવારથી ભક્તો અહીં દર્શનાર્થે આવી ચુક્યા હતા. દરરોજ સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 1,97,412 કોરોના કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં 13ના મોત નિપજ્યા છે.