મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરના છેવાડે આવેલા સેક્ટર 26 કિસાનનગરમાં રહેતા શિક્ષક દંપત્તિની સવાર બગડી હતી. શુક્રવારે સવારે તેઓ મકાન બંધ કરીને એક પ્રસંગમાં મહેસાણા જવા નીકળ્યા હતા ત્યારે જ તેમના બંધ મકાનનું ઈનટરલોક ન તૂટતા ચોરો દીવાલ તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. ચોરો ઘરમાંથી કુલ 27 તોલા સોનું અને 2 કિલો ચાંદી તથા 8000 રોકડ મળી કુલ રૂ.7 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર 26 કિસાનનગરમાં રાજેન્દ્રસિંહ બારડ પોતાના પત્ની અને પુત્ર સાથે રહે છે. દંપત્તી કડી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. આજે શુક્રવારે સવારે મહેસાણા એક પ્રસંગમાં તેમને જવાનું હોવાથી સવારના 10 વાગે મકાનને તાળુ મારી તેઓ મહેસાણા જવા નીકળ્યા હતા. તેમના ગયા પછી નોકર આવ્યો હતો અને તેણે બુમાબુમ કરતાં પડોશીઓ ભેગા થઈ ગયા હતા. મકાનમાં સામાન વેરવીખેર પડ્યો હતો અને તિજોરીઓ પણ તૂટેલી હતી. મકાન માલિકને જાણ કરતાં તેઓ પણ તુરંત ઘરે દોડી ગયા હતા.

તસ્કરોએ મકાનનું ઈન્ટરલોક તોડવાના પ્રયત્નો કર્યા પરંતુ લોક ન તૂટતાં તેઓએ દીવાલ જ તોડી નાંખી હતી અને મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં મકાનનો તમામ સામાન રગદોડી નાખ્યો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે દીવાલ પાડવા સહિતની કામગીરી સવારના 10થી 11.30 સુધીના સમયમાં બની છે. સવારમાં બનેલી આ ઘટના ચોરો હવે બેખોફ બની ગયા હોવાનું સુચવે છે સાથે જ આટલી સવારમાં ચોરીની ઘટના બની અને અન્ય સ્થાનીકો ને જાણ સુધ્ધા ન થઈ તે પણ એક ચોંકાવનારી વાત છે.