રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): મેં એવી કેટલીય ફેસબૂક પોસ્ટ જોઈ છે જેમાં ગાંધીજીને દેશદ્રોહી, અંગ્રેજાના એજન્ટ, દલિતોના દુશ્મન, ઢોંગી વગેરે શબ્દો દ્વારા ટીકા કરવામાં આવી હોય ! કોઈ પણ વિચાર સામે પોતાનો વિચાર રજૂ કરવાની દરેકને છૂટ હોવી જોઈએ; પરંતુ વિવેકભાન સાથે. તંદુરસ્ત સમાજ માટે એ જરુરી પણ છે. કોઈ બીજા વિચારના સમર્થન માટે ગાંધીજીને ગાળો આપવાની ફેશન થઈ ગઈ છે. ગાંધીજીની ટીકા કરીને કેટલાંયે પોતાની કેરિયર પણ બનાવી છે.  શરુઆતમાં ઓશોએ ગાંધીજીની સખ્ત ટીકા કરીને લોકપ્રિયતા હાંસલ કરી હતી, પરંતુ ઓશો આજે જીવતા હોત તો નકલી રાષ્ટ્રવાદીઓની ટીકા કરી શકત નહીં; જેટલા જુસ્સાથી તેમણે ગાંધીજીની ટીકા કરી હતી ! ઓશો જો સ્વઘોષિત દેશભક્તોની ટીકા કરત તો ટ્રોલ્સ ગેંગ માં-બેનની ગંદી ગાળો આપત; સ્વામિ અગ્નિવેશને ઢીબ્યા તેવી રીતે હુમલાઓ કરીને તેમને ચૂપ કરી દેત !

આજના યુવાનો પૈકીના મોટાભાગના ક્યારેય લાઇબ્રેરી જઈને ઇતિહાસનું એક પાનું વાંચવાની કોશિશ કરતા નથી; પોતાના મોબાઈલમાં IT Cell જે જૂઠ પીરસે છે; તેને સત્ય માનીને મહાજ્ઞાની બની જાય છે ! પોતાને ધાર્મિક, દેશભક્ત કહેતા યુવાનો મોટાભાગે ગાંધીજી અંગે જૂઠ ફેલાવે છે અને ગાળો આપે છે. યુવાનોમાં ભગતસિંહ આદર્શ છે; યુવાનોને તેમની શહીદી ગમે છે પણ તેમના રેશનલ વિચારો ગમતા નથી ! યુવાનો ગાંધીજીને નફરત કરતા થઈ જાય તેવું એક જૂઠ ઇરાદાપૂર્વક ચલાવવામાં આવે છે કે ‘ગાંધીજીએ ભગતસિંહની ફાંસીની સજા રદ કરાવવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો અને તેમને ફાંસી મળે તે માટે ગાંધીજીએ રસ લીધો હતો !’ હકીકત શું છે? ગાંધીજીએ પોતાના માટે પણ ક્યારેય બચાવ કર્યો ન હતો. ચૌરીચૌરા કાંડમાં 23 પોલીસ ભોગ બની હતી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું : ‘આ હત્યાકાંડની જવાબદારી લઉં છું; મને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે !’ ભગતસિંહ અને ગાંધીજી વચ્ચે હિંસા અને અહિંસાના મુદ્દે મતભેદ હતો. 

ગાંધીજી કહેતા કે ‘ક્રાંતિકારી ગતિવિઘિનો સામનો કરવા અંગ્રેજ સરકાર ફૌજી ખર્ચ વધારે છે; જે દેશના ગરીબો પાસેથી વસૂલ કરવામાં આવે છે.’ તેમ છતાં ગાંધીજી ભગતસિંહને બચાવવા આગળ આવ્યા. ગાંધીજીના નજીકના મિત્ર પ્રાણજીવન મહેતા ભગતસિંહને મળવા જેલમાં ગયા હતા. ભગતસિંહ, સુખદેણ, રાજગુરુને 7 ઓક્ટોબર 1930ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. પણ વાઈસરોયની મંજૂરી બાકી હતી. 1930 માં ગાંધીજીએ નમક સત્યાગ્રહ કર્યો જેથી નોંધ દુનિયાભરમાં લેવાઈ, અંગ્રેજ સરકારે કોંગ્રેસ પાર્ટીને ગેરકાયદેસર ઘોષત કરી; કોંગ્રેસની કચેરીઓ ઉપર ઠેર ઠેર રેઈડ પાડી, ગાંધીજીને જેલમાં પૂર્યા. ગાંધીજી જેલમાં હતા ત્યારે લાહોર કોર્ટે ભગતસિંહને ફાંસીનો ચૂકાદો આપ્યો હતો. 26 જાન્યુઆરી 1931 ના રોજ ગાંધીજી જેલમાંથી છૂટ્યા.

ગાંધીજીએ વાઈસરોય ઈરવિનને 19 માર્ચ, 23 માર્ચ 1931ના રોજ બે પત્રો લખ્યા; જેમાં ભગતસિંહની ફાંસીની સજા આજીવન કેદમાં બદલવા અને ફાંસીની સજાનો અમલ નહીં કરવા માગણી કરી હતી.  આ વાત લોર્ડ ઈરવિને પોતાની ડાયરીમાં લખેલી છે. એ વખતે સાવરકરે ભગતસિંહની ફાંસીની સજા માફ કરવા, હળવી કરવા માંગણી કરી ન્હતી ! તત્કાલીન સંધ સંચાલક  હેગડેવારે કહ્યું હતું કે ‘ યુવાનોએ ભગતસિંહ જેવા છિછોરે, હલકા દેશભક્તથી દૂર રહેવું જોઈએ !’ અંગ્રેજ સરકાર ભગતસિંહની સજા હળવી કરે તો ગાંધીજી હિરો બની જાય; જે અંગ્રેજ સરકાર ઇચ્છતી ન હતી. ઉપરાંત ભગતસિંહે અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરેલી અને તેમની સજા હળવી કરવાની વાતથી Civil Servicer Officers માં રોષ ફેલાઈ ગયો હતો; પંજાબના તત્કાલીન ગવર્નરે તો રાજીનામું આપવાની બ્રિટિશ સરકારને ધમકી આપી હતી. 

22 માર્ચના રોજ ગાંધીજી વાઈસરોય ઈરવિનને રુબરુ ન મળ્યા. ભગતસિંહને ફાંસી 24 માર્ચના રોજ આપવાની હતી; તેના બદલે એક દિવસ અગાઉ 23 માર્ચ 1931 ના રોજ સાંજે 7:33 વાગ્યે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી આપી દીધી. અંગ્રેજ સરકારે બે લાભ જોયા; ક્રાન્તિકારીઓના જીવ લીધા અને ગાંધીજીને લોકોની નજરમાં હલકા પાડવાની કોશિશ કરી ! અંગ્રેજોની કૂટનીતિના કારણે આજે પણ ભગતસિંહને ફાંસી થઈ તે માટે ગાંધીજીને જવાબદાર માનવામાં આવે છે ! સત્ય તો એ છે કે ભગતસિંહ પોતાના માટે કોઈ પ્રકારની ક્ષમાયાચના ઇચ્છતા ન હતા. ભગતસિંહના પિતા કિશનસિંહે ફાંસી રદ કરવા બ્રિટિશ સરકાર સમક્ષ છૂપી રીતે અરજી કરી ત્યારે ભગતસિંહે પિતા ઉપર ગુસ્સે થઈને કહી દીધું હતું કે ‘આપે મારી પીઠમાં છરી ભોંકી છે !’

પોતાનો જીવ આપનાર દેશભક્ત ભગતસિંહે ક્યારેય ગાંધીજી વિશે કડવો શબ્દ ઉચ્ચાર્યો ન હતો, પરંતુ જેમણે દેશ માટે પોતાનો નખ પણ કપાવ્યો ન હોય તેવા સ્વઘોષિત દેશભક્તો ગાંધીજીને ગાળો આપે છે ! એ સમજાતું નથી કે કયો ધર્મ માણસને ગાળો આપવાનું શીખવે છે? સવાલ એ છે કે આપણે જે શબ્દોમાં ગાંધીજીની ભયંકર ટીકા કરીએ છીએ; તેને ઢોંગી, એજન્ટ, દેશદ્રોહી કહીએ છીએ; આ પ્રકારના શબ્દો લોકલ ગુંડાને કહી શકીએ છીએ ખરાં?