રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં 6-8 માર્ચ, 2020 ના રોજ ‘ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન’ અને ‘મહર્ષિ વેદવ્યાસ એકેડમી’ના ઉપક્રમે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલન અને પદવીદાન કાર્યક્રમ યોજાઈ ગયો. 150 ફૂટથી પણ લાંબી હસ્તલિખિત અને ચિત્રાંકન સાથે ગાંધીજીની જન્મપત્રિકા તૈયાર કરવામાં આવી હતી; તેનું મહાસંમેલનના મંચ ઉપરથી 400 જેટલા જ્યોતિષાચાર્યોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ અનેક હેતુસભર કુંડલીઓનું ગણિત પણ કરવામાં આવ્યું છે !

ગાંધીજીએ 1917 માં ‘ખેડા સત્યાગ્રહ’; 1928 માં ‘બારડોલી સત્યાગ્રહ‘; 12 માર્ચ 1930 ના રોજ ‘દાંડીકૂચ’ શરુ કરી હતી અને 6 એપ્રિલ 1930 ના રોજ પૂર્ણ કરેલ. 8 ઓગષ્ટ 1942 ના રોજ ‘ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટ’નો આરંભ કર્યો હતો. આવી ઐતિહાસિક પળોએ ગાંધીજીએ ક્યારેય જ્યોતિષીઓને પૂછ્યું ન હતું; લાભશુભ ચોઘડિયાં જોયા ન હતા. ગાંધીજી ધાર્મિક ન હતા; પરંતુ નૈતિક હતા. ગાંધીજી કર્મકાંડમાં માનતા ન હતા; જ્યોતિષમાં માનતા ન હતા. ગાંધીજી મૂર્તિપૂજામાં માનતા ન હતા. પોતાના આશ્રમમાં કોઈ જગ્યાએ દશરથ પુત્ર રામની મૂર્તિ મૂકેલ ન હતી. ગાંધીજીના ‘રામ’; ’શ્રીરામ’ કરતા જુદા હતા.

સાબરમતી નદી કિનારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920 ના રોજ ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ સ્થાપેલ શૈક્ષણિક સંસ્થામાં જ્યોતિષીઓએ, ‘આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલન’નું આયોજન કર્યું; તે ઘણું જ અજુગતું લાગે છે ! જ્યોતિષીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં એકઠા થઈને પ્રદૂષણ ફેલાવ્યું અને ગાંધીવિચારની મજાક ઉડાવી ! તમે જ કહો; ગાંધીજીની 150 ફૂટ લાંબી જન્મપત્રિકા મહત્વની છે કે ગાંધીવિચાર?