જયેશ શાહ (મેરાન્યુઝ.કચ્છ) : માત્ર બે દિવસમાં જ ગુજરાત સરકારે પૂર્વ કચ્છનાં એસપીનો ચાર્જ ભુજ પાસેથી લઈને ગાંધીનગર આપી દીધો છે. ગાંધીનગર બેસતા સીઆઇડી ક્રાઇમનાં એસપી એક સપ્તાહ માટે ગાંધીધામનો એસપીનો ચાર્જ સાંભળશે. જેની પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે. રાજ્યનાં સૌથી મોટા જિલ્લા કચ્છમાં પોલીસનાં બે રૂપ જોવા મળી રહ્યા છે. જયાં એક તરફ પૂર્વ કચ્છમાં તમામ બે નંબરનાં ધંધા ધમધોકાર ચાલી રહ્યા છે ત્યાં પશ્ચિમ કચ્છમાં કાયદાનું કડકાઇથી પાલન થતું હોવાને કારણે બે નંબરી ધંધા ઉપર લગામ કસવામાં આવેલી છે. તેથી સુત્રોનું માનીએ તો, એક સપ્તાહમાં કડક કાર્યવાહી થાય તો ગાંધીનગરથી માંડીને કચ્છ સુધી નોકરી કરતા બાબુઓની પોલ ખુલી જાય તેમ હતું. અને એટલે જ ભુજનાં એસપી પાસેથી ચાર્જ પાછો લેવામાં આવ્યો છે. ખાસ કરીને તાજેતરમાં ભુજની ભાગોળે આવેલા માધાપર ખાતે જે રીતે આઇપીએસ સૌરભસિંગ દ્વારા ગેરકાયદે વેચાતા ઓઇલ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેને જોઈને આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

કચ્છ પોલીસનાં ઇતિહાસમાં અત્યાર સુધી શિરસ્તો એવો હતો કે, ભુજ અથવા ગાંધીધામનાં એસપી રજામાં જાય તો બંને એકબીજાનો હવાલો સંભાળતા હતા. હમણાં જયારે ભુજનાં એસપી સૌરભસિંગ એક મહિનાની તાલીમમાં ગયા ત્યારે તેમનો ચાર્જ ગાંધીધામનાં એસપી મયુર પાટીલને સોંપવામાં આવ્યો હતો. આઇપીએસ સૌરભસિંગ જયારે ટ્રેનીંગમાંથી પાછા આવ્યા ત્યારે પૂર્વ કચ્છનાં ગાંધીધામનાં એસપી મયુર પાટીલ એક અઠવાડિયાની રજામાં ગયા હતા. આથી તેમનો ચાર્જ ભુજ એસપી સૌરભસિંગને આપવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર બે દિવસમાં જ તેમની પાસેથી ગાંધીધામનો વધારાનો ચાર્જ પાછો લઈને ગાંધીનગરમાં બેસતા સીઆઇડી ક્રાઇમનાં એસપી સૌરભ તોલંબિયાને આપવામાં આવ્યો છે. તોલંબિયા થોડા મહિનાઓ પહેલા જ ભુજથી ટ્રાન્સફર થઈને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ગયા હતા. હવે આગામી 26 જુલાઈ સુધી પૂર્વ કચ્છનાં એસપીનો તેમની પાસે રહેવાનો છે. ચાર્જ બદલવા પાછળનું 'ઓફિશ્યલી' કારણ જાણવા માટે ગુજરાત પોલીસનાં ડીજીપી આશિષ ભાટિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા.

પૂર્વ કચ્છનાં ઓઇલ માફીયા ફફડી ગયેલા

કડક અને નખશીખ પ્રામાણિક IPS સૌરભસિંગને એક સપ્તાહ માટે પૂર્વ કચ્છનાં એસપીનો ચાર્જ આપતા પૂર્વ કચ્છમાં બે નંબરનો ગેરકાયદે ધંધો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છમાં અત્યાર સુધીમાં મોટાભાગનાં IPS અધિકારીને ફોડી ચૂકેલા ઓઇલ માફીયા અલ્પેશ ચંદે ઉપર ભુજનાં એસપી સૌરભસિંગની કાર્યવાહીની ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી હતી. હવે જો એ જ સૌરભસિંગની પાસે એક અઠવાડિયા માટે પૂર્વ કચ્છનાં એસપીનો ચાર્જ આવે તો ઓઈલચોરીથી માંડીને તમામ પ્રકારનાં બે નંબરનાં ધંધાનું નેટવર્ક ખોરવાઈ જાય તેમ હતું. અને તેવા સંજોગોમાં જુલાઈ મહિનાનો કરોડો રૂપિયાનો હપ્તો પાછો આપવો પડે તેમ હતું. માત્ર એટલું જ નહીં પરંતુ જો એક અઠવાડિયામાં કડક કાર્યવાહી થાય તો કચ્છમાં પૂર્વ પોલીસ બેડાની પોલ પણ ખુલી જાય. આમ IPS સૌરભસિંગથી ઘણાં બધાને તકલીફ પડે તેમ હતું. ઓઈલનાં બે નંબરી ધંધામાં સત્તાપક્ષ ભાજપનાં કેટલાક જનપ્રતિનિધિઓનાં ભાઈ અને દીકરાઓ સામેલ છે તેથી તેમને પણ તકલીફ પડે તેમ હતું. જેને પગલે અઠવાડી માટે કોઈ વિવાદ થાય એના કરતા ચાર્જ બદલી દેવામાં જ શાણપણ છે એમ માનીને સૌરભસિંગ પાસેથી બે દિવસમાં જ ચાર્જ પાછો લઈ લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ભુજનાં એરપોર્ટ રોડની હોટેલ્સમાં થાય છે સેટિંગ

માધાપરની પોલીસની ઓઇલ પકડવાની કાર્યવાહીમાં  અલ્પેશ ચંદેનું નામ બહાર આવ્યું છે. અત્યાર સુધી કચ્છમાં નોકરી કરી ચૂકેલા મોટાભાગનાં IPS ને અલ્પેશ ચંદે ભુજની સેવન સ્કાય હોટેલમાં સાચવાતો હતો. કારણ કે અલ્પેશનો ભાઈ બિપિન ચંદે આ હોટેલનો પાર્ટનર છે. આ સિવાય કચ્છનાં ભાજપનાં હરોળના જનપ્રતિનિધિઓ અલ્પેશનાં ઓઈલનાં ધંધામાં  સાઇલેન્ટ પાર્ટનર છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં રેન્ક પ્રમાણે અલ્પેશ અધિકારીઓને સાચવાતો હતો. એટલે જ અત્યાર સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ત્યાં સુધી કે, એક મહિના પહેલા જયારે આ જ જગ્યાએથી બેઝ ઓઇલ પકડાયું હોવા છતાં ત્યાં કોઈની બીક વિના ઓઈલનું વેચાણ ચાલુ જ હતું. અલ્પેશને સાચવવા પાછળ પશ્ચિમ કચ્છનાં એક ડેપ્યુટી એસપીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. કચ્છમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા આ ડીવાયએસપી ભુજમાં આવેલી એક હેરિટેજ હોટેલમાં રોકાતા હતા. આ હોટેલનો માલિક અને અલ્પેશ ચંદે સારા મિત્રો છે. અને અહીંથી જ ગેરકાયદે ઓઈલનાં ધંધાનું નેટવર્ક ગોઠવાતું હતું. હવે જયારે અલ્પેશ ઉપર તવાઈ આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, તેનું નેટવર્ક તૂટે છે જે પછી પ્રામાણિક આઇપીએસ અધિકારીનું મનોબળ. સમગ્ર મામલામાં હવે ગુજરાત ભાજપની પારદર્શક અને નિર્ણાયક સરકારની પણ પરીક્ષા છે.