મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીધામ: ઘણાં વર્ષોથી કચ્છનાં ગાંધીધામ શહેરનાં મુખ્ય માર્ગ ટાગોર રોડ ઉપર દબાણ કરી બેઠેલા ઈંફ્કોનું દબાણ દુર કરાવામાં આવ્યુ હતુ. દેશની સૌથી મોટી સહકારી સંસ્થાન દ્રારા સર્વિસ રોડ ઉપર દબાણ કરવા છતા તથા વિભિન્ન કક્ષાએ લોકો તેમજ સંસ્થાઓ દ્રારા રજુઆત-કોર્ટ કેસ કરવા છતા ઈંફ્કોનું દબાણ દુર કરવામાં આવતું ના હતુ. તેવામાં અચાનક વહીવટી તંત્રએ સર્વિસ રોડ ઉપર ઉભો કરવામાં આવેલો ઈંફ્કોનાં બે મોટા ગેટ બૂલડોઝરથી તોડી નાખવામાં આવતા જાણે કે આ કો ઓપરેટીવ સંસ્થાનું અભિમાન તોડી નાખવામાં આવ્યુ હોય તેમ ગાંધીધામ શહેરનાં લોકો પણ અત્યાર સુધી અશક્ય માનવામાં આવતી આ ઘટનાને જોવા ટોળે વળ્યા હતા.

વર્ષો પહેલા ગાંધીધામમાં ટાગોર રોડ ઉપર આવેલી  ઈંફ્કોની રહેણાંક કોલોની ઉદયનગરની શરૂઆતમાં આવેલા સર્વિસ રોડ ઉપર ફેન્સિગ કરીને દબાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર અને નેતાઓ સહીતનાં લોકોને 'સાચવી' લઇને ધરાર સર્વિસ રોડને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.  માત્ર એટલું જ નહીં અહીંથી પસાર થતા લોકો ઉપર પણ ઈંફ્કો દ્રારા મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. 

ઈંફ્કોની આ જોહુકમી સામે કચ્છનાં મીડિયા ઉપરાંત સ્થાનિક લોકો તેમજ કેટલાંક જાગૃત લોકો દવારા કાયદેસર વિરોધ કરવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોર્ટ કેસ સહીતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર તેમજ ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઉપરાંત નગર પાલિકા દ્રારા પણ દબાણ દુર કરવા અંગે વારંવાર નોટિસ ફટકરવા છતા રસુખદાર થયીને ફરતા ઈંફ્કોએ સર્વિસ રોડનું દબાણ દુર કર્યું ના હતુ. છેવટે આજે અચાનક જયારે તંત્ર દ્વારા ઈંફ્કોના બે મોટા ગેટ ધરાશાયી કરીને સર્વિસ રોડનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા.

આવી રીતે સાચવવામાં આવતા હતા

જગજાહેર દબાણ હોવા છતા ઈંફ્કોનું દબાણ દુર કરવામાં આવતું ના હતુ. તેની પાછળ કેટલાંક કારણો પણ જવાબદાર હતા. જેમકે ઈંફ્કોની કોલોનીમાં આવેલા ગેસ્ટહાઉસમાં મંત્રીઓથી માંડીને IAS-IPS અધિકારીઓ ઉપરાંત સરકાર ઉપર જેમનું પ્રભુત્વ હોય તેવા લોકોને આશરો આપવામાં આવતો હતો. વિજયાદશમી, દિવાળી વગેરે જેવા તહેવારો દરમિયાન રાજય સરકારનાં મંત્રીઓ તથા કચ્છનાં ધારાસભ્યો - એમપી જેવા લોકોને મુખ્ય મહેમાન તરીકે ચીફ ગેસ્ટ તરીકે બોલવામાં આવતા હતા. એટલે સ્વાભાવિક છે નાના કર્મચારીઓ કે અધિકારીઓ ઈંફ્કો સામે કાર્યવાહી કરતા શરમ અનુભવતા હતા. માત્ર એટલુ જ નહીં કેટલાક લોકોએ તો માહીતી અધિકારનો ઉપયોગ કરી ઈંફ્કોનું નાક દબાવીને કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા હતા.