પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મને જે યોગ્ય લાગે તે વાત મારે કહેવી જોઈએ તે પછી મારા લેખન દ્વારા હોય અથવા કલા દ્વારા હોય મારી વાત કહેવાનો અથવા મારો મત કહેવાનો મને બંધારણીય અધિકાર મળ્યો છે. જેને આપણે અભિવ્યક્તિનો અધિકાર કહીએ છીએ, છેલ્લાં કેટલાય વર્ષોથી અભિવ્યક્તિના અધિકાર ઉપર ખુબ ચર્ચા ચાલે છે. એક વર્ગ માને છે કે રાજ્યો અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યાર પછી કલાકાર-પત્રકારનો અભિવ્યક્તિનો અધિકાર છીનવાઈ ગયો છે, પણ આવું નિવેદન અર્ધ સત્ય છે, ભાજપ સત્તા ઉપર આવ્યા પછી અભિવ્યક્તિના અધિકારીને મક્કમતા પુર્વક કચડવાનો પ્રયત્ન થયો તેવું કહેવામાં આવે તો યોગ્ય છે, પણ દેશની કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ પોતે સત્તા ઉપર હતી ત્યારે આ જ રસ્તે આગળ વધી હતી અને તેમની પાસે જ્યારે પણ સત્તાનું સુકાન હતું ત્યારે તેમણે પણ અભિવ્યક્તિના અધિકાર ઉપર તરાપ મારવાનું કામ કર્યું છે.

જેમણે નરેન્દ્ર મોદી અને ભાજપનું જ શાસન જોયું છે તે નવી પેઢીને કદાચ એવું લાગે કે તમે કઈ લખો અથવા તમારી સર્જનાત્મક શકિત દ્વારા તમે સરકારની ટીકા કરો તો ભાજપ સરકાર તમને સળીયા પાછળ નાખી દે છે, પણ અભિવ્યક્તિના અધિકાર ઉપર તરાપ મારવાનું પાપ અનેક વખત કોંગ્રેસ પણ સત્તા ઉપર હતી ત્યારે કરી ચુકી છે. જેના કારણે અભિવ્યતીના અધિકાર ઉપર કોંગ્રેસ પોતાનું મોઢુ બંધ રાખે તો જ સારૂ છે, જુની પેઢીના માણસો અને કટોકટી વખતે પત્રકારત્વ કરતા પત્રકારોને ખબર હશે કે ઈન્દીરા ગાંધીની ટીકા કરનાર અને પત્રકારો અને કાર્ટુનીસ્ટો ઈન્દીરા ગાંધીએ જેલમાં ધકેલી દીધા હતા. કટોકટી લદાયા પછી અખબારની કચેરીમાં માહિતી ખાતાના અધિકારીઓ બેસતા હતા અને અખબારના પાના તૈયાર થઈ જાય ત્યાર બાદ આ અધિકારીઓ તે વાંચી તેને મંજુરી આપે ત્યાર પછી જ અખબાર છપાવવા જતા હતા.

આમ તે દિવસોને યાદ કરીએ તો કદાચ નરેન્દ્ર મોદી અને ભાજપ આપણને સારા લાગે, જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસની વિરૂધ્ધ લખનારને જ્યારે જેલમાં ધકેલી દેવામાં આવતા ત્યારે નરેન્દ્ર મોદી અને ત્યારના જનસંઘને ત્યારે ખુબ વાંધો હતો. તેઓ આવી ઘટનાને લોકશાહીની વિરૂધ્ધની ગણાવતા હતા, પણ સમય બદલાયો અને અભિવ્યક્તિ સ્વંતત્રતાની વાત કરનાર ભાજપ હવે રાજ્યો અને કેન્દ્રમાં સરકારમાં છે ત્યારે તેમને પણ ભાજપની વિરૂધ્ધ લખનાર માણસો અને પત્રકારો પસંદ નથી, 2008માં હું અમદાવાદના ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં હતો ત્યારે મારી સામે જ ભાજપ સરકારે રાજદ્રોહની છ ફરિયાદો કરી હતી, આમ હું વ્યકિતગત પણ આવી ઘટનાઓનો સાક્ષી છું જ્યારે હું કોંગ્રેસ સામે લખતો ત્યારે ભાજપની ગુડ બુકમાં હતો. જ્યારે ભાજપ સત્તા ઉપર આવ્યું ત્યારે હું રાજદ્રોહી થઈ ગયો આમ સરકારો આવતી જતી રહી છે પણ કોઈ પણ સરકારને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી પરવડતી નથી. હજી થોડા મહિનાઓ પહેલા મમતા બેનર્જીએ પણ પોતાનું કાર્ટુન બનાવનારને જેલમાં પુરી દીધી હતી.

પણ અભિવ્યક્તિ સ્વંતત્રતાની લડાઈ આજની નથી, એકસો વર્ષ પહેલા જ્યારે મહાત્મા ગાંધીએ ભારતીયો પોતાની વાત પોતાની ભાષામાં કહી શકે તે માટે 1919માં અમદાવાદમાં નવજીવનની સ્થાપના કરી અને ગુજરાતીમાં નવજીવન અને અંગ્રેજીમાં યંગ ઈન્ડીયા દ્વારા તેમણે અંગ્રેજી સત્તાને પડકારતા લેખ લખવાની શરૂઆત કરી ત્યારે અંગ્રેજોનો પણ અભિવ્યક્તિ સ્વંતત્રતા સામે વાંધો હતો. 1922માં અંગ્રેજો દ્વારા ગાંધીએ નવજીવનમાં લખેલા ત્રણ લેખોને કારણે તેમની સામે રાજદ્રોહની ત્રણ ફરિયાદો નોંધી હતી. જેમાં ગાંધીને છ વર્ષની સજા પણ થઈ હતી. આ સજા પછી થોડા દિવસ ગાંધીને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેને આજે ગાંધી ખોલી તરીકે ઓળખવામાં આવે છે. આમ અભિવ્યક્તિ સ્વંતત્રતા કયારે મફત મળતી નથી. તેના માટે ગાંધી સહિત તમામે કિંમત ચુકવી છે અને આપણે પણ તે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવું પડશે કારણ ભાજપ જશે તો તેનો બીજો કોઈ ભાઈ અથવા બહેન આવશે પણ તેમને પણ આપણી બોલવાની અને લખવાની અને કલાની સ્વંતત્રતા સામે વાંધો તો પડવાનો જ છે.

પણ એક સુંદર બાબત તો એવી છે કે અભિવ્યક્તિ સ્વંતત્રતાની મીશાલચી મહાત્મા ગાંધીના શરિરને ગોડસેએ ત્રણ ગોળી મારી શાંત કરી દીધો પણ ગાંધીના હાથમાં રહેલી આઝાદી-જંગ અને સ્વંતત્રતાની મીશાલને કોઈ ઓલવી શક્યું નથી, 150 વર્ષ પણ માત્ર ભારત જ નહીં દુનિયા એક એવા માણસને યાદ કરવો પડે છે જેની તોલે આજ સુધી કોઈ આવ્યું નથી આપણે તો ગાંધીની જન્મ-મૃત્યુ તિથીના દિવસે જ કદાચ તેમને યાદ કરીએ છીએ પણ ગાંધીને સાબરમતીની જે કોટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યાં 1922થી આજ સુધી જેલના કેદીઓ રોજ સવાર સાંજ દિવો કરે છે. તેઓ કહે છે કે ગાંધી આજે પણ અહિયા જીવે છે, હાલમાં સાબરમતી જેલમાં રહેલો અનવર નામનો એક કેદી ગાંધી ખોલીમાં દિવો પ્રગટાવવાનું કામ કરે જયાં સુધી આપણી પાસે આવા અનવરો છે ત્યાં સુધી ગાંધીનો દિવો ઓલવાશે નહીં.