મેરાન્યૂઝ નેટવર્ક.ગઢડાઃ ગઢળામાં મંદિર પરિસરમાં કાર્યક્રમને લઈને સંતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ ગયું છે. ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના વહિવટી તંત્ર દ્વારા અહીં જળઝીલણી અગિયારસનો મહોત્સવ યોજ્યો હતો. જેના કેટલાક વીડિયો અને ફોટોઝ પણ વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરના મહામારીને પગલે તમામે એક બીજા વચ્ચે અંતર રાખવું, લોકોના ટોળા ન કરવા વગેરે જેવી ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જોકે આવી કોઈ ગાઈડલાઈન્સ અગાઉ સૌરાષ્ટ્રમાં યોજાયેલી ભાજપ પ્રમુખની રેલીમાં જોવા મળી ન્હોતી કે પછી કોંગ્રેસના પરીક્ષાઓના વિરોધ કાર્યક્રમમાં પણ ન્હોતી.

જોકે તે બાબતને લઈને કોઈ પોતાને સાચો ઠેરવી ટોળું કરે તે લોકોના જીવને જોખમ ભર્યુ છે. ગઢડા ખાતે યોજાયેલા કાર્યક્રમની તસવીરો અહીં રજુ કરાઈ છે. જ્યાં આ કાર્યક્રમમાં કાર્યવાહી કરવા પોલીસ આવી પહોંચી હતી પરંતુ સંતો અને પોલીસ વચ્ચે આ મામલામાં ઘર્ષણ થઈ ગયું હતું. સંતોએ તો પોલીસને રીતસર મોંઢા પર ચોપડાવી દીધી હતી કે નેતાઓના કાર્યક્રમો, રેલીઓને રોકતા નથી અને તેમે ધાર્મિક કાર્યક્રમો બંધ કરાવો છો? હવે ગઢડા પોલીસ આ મામલે કોઈ ફરિયાદ નોંધે તેવી કવાયતો શરૂ થઈ છે. જોકે હજુ (આ લખાય છે ત્યારે) ફરિયાદ નોંધાઈ નથી. ફરિયાદ નોંધાશે તો લગભગ આ મામલો એક વિવાદનું બીજ બનશે.