મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સિલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવી હતી. બસ પછી શું હતું, કાર ચાલકે ત્યાં જ પિત્તો ગુમાવ્યો અને એવું કર્યું કે ત્યાં હાસ્યાસ્પદ કિસ્સો બની ગયો. કાર ચાલક ટ્રકના ટાયર કાઢવા લાગ્યો. ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક કાર ચાલકની વર્તણૂંક જોઈ અચંબિત બની ગયો હતો. તેેને થયું કે હવે ટાયર વગર શું કરવું, આણે તો વ્હીલ સાથે ટાયર બહાર ખેંચી લીધા છે. તેણે ધનસુરા પોલીસની મદદ લીધી અને ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે પોલીસે પણ એ ટ્રક ચાલકને ત્યાં જ ખખડાવી નાખ્યો તેથી ટ્રક ચાલકનું મોંઢું પણ આશ્ચર્ય અને દયા સાથેનું જોવા જેવું બન્યું હતું.

ધનસુરાના ખેડા ગામ નજીક પરપ્રાંતીય ટ્રક ચાલક અને સ્થાનિક કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયા પછી કાર ચાલકે ટ્રક ચાલક પાસે વળતર માંગતા ટ્રક ચાલકે વળતર આપવાની ના પાડતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લીધા હતા અને છકડો રિક્ષામાં ચઢાવી દેતા ટ્રક ચાલકે ધનસુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી. ટ્રક ચાલકે ધનસુરા પોલીસની કાર્યવાહી સામે પણ નારાજગી વ્યક્ત કરી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પોલીસે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે” એમ ટ્રક ચાલકને જ ધમકાવ્યો હોવાનું અનુભવ્યું હતું.