મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવાઓ વચ્ચે અરવલ્લી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં  દયનિય સ્થિતિ જોવા મળી રહી છે શામળાજી નજીક આવેલા મેરાવાડા ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સિમાડે ભરાયેલ પાણીને કારણે  ડાધુઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો.

અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદને કારણે નદી, નાળા તેમજ તળાવો છલકાઈ ગયા છે. સાથે જિલ્લાના ડેમો પણ પાણીથી છલોછલ થઈ ગયા છે. સાથે જિલ્લામાં પડેલ વરસાદને કારણે ગામડાઓમાં પણ ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે ત્યારે કેટલાક ગામડાઓમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હોવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ત્યારે શામળાજીના મેરાવાડા ગામે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ હોવાને કારણે રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે. અતિશયઉક્તિ તો ત્યારે થઈ જ્યારે ડાઘુઓને ઘુંટણસમા પાણીમાં થઈને શબને જળમાર્ગે અંતિમયાત્રા કરાવવાની ફરજ પડી હતી.

એક તરફ સરકાર વિકાસની ગુલબાંગો પોકારી રહી છે અને બીજી બાજુ અંતરિયાળ વિસ્તારોમાં આઝાદી સમયે જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત સરકાર છડેચોક વિકાસના પોકળ દાવાઓ કરી રહી છે. શહેરીકરણને જોઈને ગુજરાત નંબર વન હોવાની ગુલબાંગો પોકારતી સરકારની નજરો અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચતી નથી. અરવલ્લી જિલ્લાના કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જિલ્લામાં જો ભારે વરસાદ થઈ જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે. આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. શામળાજીનું આવું જ એક અંતરિયાળ ગામ છે મેરાવાડા આ ગામમાં જો વરસાદી પાણી ભરાઈ જાય તો આ પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી અને પાણી આવવાને કારણે ગામમાં જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે ગામલોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે ગામમાં કોઈ મરણ થાય ત્યારે ગામલોકોની ભારે દયનિય સ્થિતિ થઈ જાય છે. ગામના પાણીમાં ડૂબેલા રસ્તા પરથી જળમાર્ગે અંતિમયાત્રા કાઢવાનો વારો ડાઘુઓને આવે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.