મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદનો વડો અને પુલવામા એટેકનો પાપી આતંકવાદી મસૂદ અઝહર મામલે હાલમાં જ ચીને કરેલી અવડચંડાઈને કારણે ભારતને નિરાશાં સાંપડી હતી પરંતુ આ સાથે જ બીજા એક સારા સમાચાર પણ જાણવા મળી રહ્યા છે જેમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ એ મહોમ્મદના વડા મસૂદ અઝહર સામે ચીને વીટો પાવર વાપરી બચાવ કર્યા બાદ ફ્રાન્સે અઝહર સામે એક્શન લેવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સ હવે આતંકી અઝહરની સંપત્તિ જપ્ત કરશે તેવો નિર્ણય કર્યો છે. જૈશની સામે ફ્રાન્સ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે મસૂદના બચાવમાં ચીને વીટો પાવર વાપર્યો ત્યારે અમેરિકા સહિતના ઘણા દેશોએ ચીનની ટીકા પણ કરી હતી પરંતુ જાડી ચામડીના ચીનને તેની અસર થાય તેમ ન હતી. ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય એન વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહરે સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સ મસૂદને યૂરોપિયન યૂનિયનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાને લઈને રજૂઆત કરશે. બીજી તરફ, પાકિસ્તાન ઉપર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહી કરવાને લઈ જોરદાર વૈશ્વિક દબાણ છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ પહેલા પણ આતંકી મસૂદ અઝહરની વિરુદ્ધ ભારતને ફ્રાન્સથી મોટી મદદ મળી હતી. પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સનું મોટું સમર્થન મળ્યું હતું. ફ્રાનસ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવ્યું હતું.