મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેર પોલીસે અગાઉ ગેરકાયદે ગર્ભપાત કરતી મહિલા સહિતની ટોળકીને ઝડપી લીધી હતી. ત્યાં હવે ગર્ભપાતમાં ઉપયોગમાં લેવામાં આવતી બીલ વગરની રૂ. ૧૧ લાખ ૯૭ હજારની દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રૈયા ચોકડી પાસે એજન્સી ધરાવતાં ચાર શખ્સોના કબ્જામાંથી આ દવાનો જથ્થો જપ્ત કરી ડ્રગ્સ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયા ચોકડીથી આગળ શ્યામલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી સહકાર એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી તપાસ કરતાં ખુશી એમટી કિટ લખેલી દવાઓના ૧૭૧ બોક્સ મળ્યા હતાં. જે ગર્ભપાત અને ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાતાં ખોરાક તથા ઓૈષધ નિયમન તંત્રને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તપાસ માટે સેમ્પલ આપતાં દવા ગર્ભનિરોધક હોવાનું અને લાયસન્સ વગર આ દવા વેંચવી ગુનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસે દૂકાન સંભાળતા ચાર શખ્સો જતીન મહેન્દ્રભાઇ દેસાઇ, પંકજ ઘનશ્યામભાઇ લિમ્બર્ક, નિમેષ કાંતિલાલ મહેતા તથા ભાવીન વામનભાઇ દેસાઇ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ચારેય પાસે દવાનો જથ્થો કયાંથી આવ્યો? અને તેની પાસે આ દવા વેંચવાનું લાયસન્સ છે કે કેમ? તેમજ આ દવાઓ કેટલા સમયથી ક્યાં-ક્યાં સપ્લાય થાય છે? તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.