રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): પંજાબના પૂર્વ DGP સુમેધસિંહ સૈની ‘Z+’ સીક્યુરિટી કવર ધરાવે છે; 30 જેટલા જવાનો સુરક્ષામાં હતા; તેમને પણ ખબર નથી કે જેની સુરક્ષા કરે છે તે સુમેધસિંહ ક્યારે ફરાર થઈ ગયા ! પંજાબ પોલીસની છ ટીમ તેમને શોધી રહી છે. 1982ની બેચના સુમેધસિંહને 2012માં પંજાબના યંગેસ્ટ DGP બન્યા હતા. જૂન 2018માં નિવૃત થયા હતા. 1991 માં સુમેધસિંહ ચંદીગઢમાં SSP હતા. તે વખતે પંજાબમાં આતંકવાદી પ્રવૃતિ જોરમાં હતી. એક સમયે સુમેધસિંહથી આતંકવાદીઓ ધ્રૂજતા હતા; આજે તે ખુદ પંજાબ પોલીસથી છૂપાતા ફરે છે !

શામાટે સુમેધસિંહ નાસતા ફરે છે? 12 સપ્ટેમ્બર 2020 ના રોજ, મોહાલી કોર્ટે સુમેધસિંહ સામે એરેસ્ટ વોરંટ કાઢ્યું છે. 29 ઓગષ્ટ 1991 ના રોજ, સુમેધસિંહના કાફલા ઉપર આતંકવાદીઓએ રીમોટ કંટ્રોલ બોમ્બથી હુમલો કર્યો; જેમાં ત્રણ પોલીસ શહિદ થયા હતા. સુમેધસિંહ બુલેટપ્રૂફ કારમાં હતા એટલે બચી ગયા. આ કેસમાં આતંકવાદી દેવિન્દરસિંહ ભુલ્લરનો હાથ હતો; જે  હાલે 1993ના દિલ્હી બોમ્બ બાસ્ટ કેસમાં આજીવનકેદ ભોગવી રહ્યો છે. તે વખતે  સુમેધસિંહને શક હતો કે દેવિન્દરસિંહ ભુલ્લર  ક્યાં સંતાયો છે, તેની જાણકારી મોહાલીના બળવંતસિંહ મુલતાની પાસે છે; જેથી તેમણે મુલતાનીને એરેસ્ટ કર્યો; રીમાન્ડ લીધી; પછી તે ગુરુદાસપુરથી નાસી ગયો છે, એવું પ્રસ્થાપિત કર્યું !


 

 

 

 

29 વર્ષ પછી; મે-2020માં, બળવંતસિંહના ભાઈએ મોહાલી પોલીસને બળવંતસિંહના અપહરણ માટે ફરિયાદ કરી; જેમાં તત્કાલીન  SSP સુમેધસિંહ/SP બલદેવસિંહ/PSI સતબીરસિંહ/PC જગીરસિંહ/અનોખસિંહ/હરસહાય શર્મા/કુલદીપસિંહને આરોપી બતાવ્યા. પંજાબ પોલીસની SITએ સહઆરોપી જગીરસિંહ અને કુલદીપસિંહને એપ્રૂવર/સરકારી સાક્ષી બનાવ્યા. આ બન્ને સાક્ષીઓએ કબૂલ કર્યું કે બળવંતસિંહ મુલતાની ઉપર SSP સુમેધસિંહે ઘાતકી ટોર્ચર કરતા તેમનું મૃત્યુ થયું હતું ! આ કેસમાં ખૂટતી કડીઓ મળી ગઈ; કેસમાં IPC કલમ-302નો ઉમેરો કરવામાં આવ્યો. પાપનો ઘડો ભરાઈ ગયો !

29 વરસ પછી પંજાબ પોલીસ કેમ સક્રિય બની? પંજાબના હાલના CM અમરિંદરસિંહ 2007માં વિપક્ષમાં હતા ત્યારે તેમની સામે; તત્કાલીન CM પ્રકાશસિંહ બાદલના કહેવાથી સુમેધસિંહે 1500 કરોડના ઘોટાળાનો કેસ કર્યો હતો ! સાર એટલો જ કે IPS અધિકારીઓનું કામ રાજકીય હાથા બનવાનું નથી ! સત્તામાં હોય ત્યારે IPS અધિકારીઓ ન કરવાના કૃત્યો કરે છે; ગુજરાતમાં શરમજનક ઘટના બની હતી; એક નિર્દોષ મહિલાની હત્યા માટે એક સાથે ત્રણ IPS અધિકારીઓને જેલમાં જવું પડ્યું હતું ! પોલીસ ટોર્ચરના કેટલાંય કૃત્યો હંમેશા ઢંકાયેલા રહે છે; પરંતુ કેટલાંક કૃત્યો 29 વરસ પછી ઊઘાડા પડે છે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવાનો છે)