બિનીત મોદી (મેરાન્યૂઝ.ગાંધીનગર): પંચમહાલ જિલ્લો આદિવાસી સમાજની બહુમતી વસતીની ઓળખ ધરાવે છે. આ જિલ્લાની મોરવા હડફ બેઠકના વર્તમાન ચૌદમી ગુજરાત વિધાનસભાના અપક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું 22 જાન્યુઆરી 2021ની બપોરે અવસાન થયું. સારવાર માટે અમદાવાદ તરફ લવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બેંતાલીસ વર્ષની યુવાન વયે દેહ છોડી દીધો. માત્ર બાર ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતા તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. ભૂપેન્દ્રભાઈ ખાંટ ઓગણચાલીસ વર્ષની યુવાન વયે ધારાસભ્ય થયા હતા. બરતરફીને કારણે માત્ર સવા – દોઢ વર્ષ જ ધારાસભ્ય રહ્યા એમ કહેવાશે.
તેમના ધારાસભ્ય પદની રાજકીય ઓળખ લેખે ‘અપક્ષ’ તો સમજાય એવું છે પરંતુ પૂર્વ એટલા માટે કે અવસાન પામ્યા તેના દોઢ વર્ષ અગાઉ ભૂપેન્દ્રભાઈ ખાંટ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ ઉર્ફે બરતરફ થયા હતા. મોરવા હડફ વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રિઝર્વ એવી આદિવાસી અનામત બેઠક છે. ડિસેમ્બર 2017માં ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી એ સમયે ભૂપેન્દ્ર ખાંટ કૉંગ્રેસ પક્ષના દાવેદાર હતા. એ સમયે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમને જ્ઞાતિ ગણિત નહીં પરંતુ કાયદાની રૂએ સમજાવ્યું કે, “તમારા મમ્મીએ ઓબીસી સમાજના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે એટલે આદિવાસી અનામત બેઠક પર ઉમેદવારીનો લાભ તમને– સંતાનોને મળીશકે નહીં.” ભૂપેન્દ્રભાઈએ ઉમેદવારીની દલીલમાં જણાવ્યું કે, “સાહેબ હું આદિજાતિ પ્રમાણપત્ર ધરાવું છું. એ આધારે જ તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અગાઉ ઉમેદવારી કરી ચૂક્યો છું. જીત્યો પણ છું અને પાંચ વર્ષ મોરવા હડફ તાલુકા પંચાયતનો સભ્ય પણ રહ્યો છું.” આ દલીલ પછી તેમને સમજાવવામાં આવ્યું કે તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રની ચકાસણી કરનારા જુનિઅર અધિકારીઓની સરખામણીએ વિધાનસભા ચૂંટણીમાં એ જવાબદારી નિભાવનાર રાજ્ય ચૂંટણી પંચના અધિકારી વધુ હોંશિયાર અને ચોક્સાઈ રાખનારા હોય છે. તમારી ઉમેદવારી રદ થશે તો કૉંગ્રેસ પક્ષ માટે મુશ્કેલી સર્જાશે.
 
 
 
 
 
માતા – પિતા સહિત જેમનો પુરો પરિવાર કૉંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો હતો એ ભૂપેન્દ્રસિંહ ખાંટ સામે પક્ષ દ્વારા આ પ્રકારની દલીલો એટલા માટે થઈ રહી હતી કેમ કે નિયમ મુજબ તેઓ આદિવાસી અનામતના સાચા હક્કદાર નહોતા. તેમના આદિવાસી માતાએ ઓબીસી સમાજમાં લગ્ન કર્યા હોઈ તેઓ પોતે લગ્ન પછી પણ આદિવાસી ગણાઈ શકે પરંતુ સંતાનોને એ ઓળખનો લાભ ન મળે. આમ છતાં ભૂપેન્દ્રભાઈ તેમણે પોતે કેળવેલી સમજણ મુજબ અષ્ટમ – પષ્ટમ કરીને આદિવાસી હોવાનું પ્રમાણપત્ર લઈ આવ્યા હતા. કૉંગ્રેસ પક્ષે ઉમેદવાર ન બનાવ્યા એટલે અસંતુષ્ટ ભૂપેન્દ્રભાઈ ખાંટ અપક્ષ ઉમેદવારી કરીને 58,500 મત મેળવીને – છેંતાલીસ ટકા મત સાથે વિજેતા થયા. ચૌદમી વિધાનસભાના માનનીય ધારાસભ્ય તરીકે પ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબહેન આચાર્ય સમક્ષ શપથ પણ લઈ લીધા. ધારાસભ્યની રૂએ મળતા પગાર, ભથ્થાં પણ ચાલુ થઈ ગયા.
બસ એ પછી ભૂપેન્દ્રસિંહ ખાંટની મુશ્કેલીઓ શરૂ થઈ. બીજી તરફ બેઠક પરના પરાજિત ઉમેદવાર એવા ભારતીય જનતા પક્ષના વિક્રમસિંહ ડિંડોર દ્વારા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી અનામતનું ખોટું પ્રમાણપત્ર ધરાવે છે તેવી રજૂઆત એકથી વધુ સ્તરે કરવામાં આવી. એક ફરિયાદ અનુસૂચિત જનજાતિ વિભાગના સક્ષમ અધિકારી એવા આદિજાતિ કમિશનરને કરી. અનુસૂચિત જનજાતિ વિભાગે જાતિ અંગેનું પ્રમાણપત્ર માન્ય નહીં હોવાની, બનાવટી હોવાની પુષ્ટિ કરી. આમ ભૂપેન્દ્ર ખાંટ બનાવટી પ્રમાણપત્રના આધારે ઉમેદવારી કરીને ચૂંટણી જીત્યા હોવાનું સાબિત થયું. આદિજાતિ વિભાગના આ ચુકાદાને આધારે અરજદાર-કમ-પરાજિત ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોરે ગુજરાતના રાજ્યપાલશ્રીને ધારાસભ્ય પદ કરવા અરજી કરી. આર્ટિકલ-191 અંતર્ગત પ્રાપ્ત વિશેષાધિકારની રૂએ રાજ્યપાલને આ પ્રકારના સંજોગોમાં ધારાસભ્યને દૂર કરવાનો અધિકાર છે. આ ચૂંટણીનો મામલો હોઈ તત્કાલીન રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ ભારતના ચૂંટણી પંચનો અભિપ્રાય માગ્યો. ચૂંટણીપંચ સમક્ષ થયેલી દાખલા-દલીલોને અંતે પણ બનાવટી પ્રમાણપત્રના આધારે ચૂંટણી જિતાયેલી હોઈ તે રદ કરવાનું ઠરાવાયું. આ અભિપ્રાયના આધારે ગુજરાતના રાજ્યપાલશ્રીએ ભૂપેન્દ્રસિંહ ખાંટને ધારાસભ્ય પદેથી બરતરફ-સસ્પેન્ડ કરતો હુકમ કર્યો. જેનો અમલ કરતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 3 મે 2019ના રોજ ભૂપેન્દ્ર ખાંટને ધારાસભ્ય પદેથી બરતરફ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું.
એક વાતચીતમાં પરાજિત ઉમેદવાર વિક્રમસિંહ ડિડોરે જણાવ્યું હતું કે, “ભૂપેન્દ્રભાઈ જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર ધરાવે છે એવી રજૂઆત તેમની દરેક તાલુકા-જિલ્લા ચૂંટણી ઉમેદવારી સમયે હું કરતો હતો. પરંતુ મારો વાંધા-વિરોધ ધ્યાનમાં લેવાતો નહોતો. અધિકારીઓ કશું સાંભળે જ નહીં. વિધાનસભાની ચૂંટણી સમયે પણ મેં વાંધો રજૂ કર્યો એના અગાઉ જેવા જ હાલ થયા.” એ પછી તેમણે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી પંચના સચિવને પત્ર લખી આ બાબતની – ખરેખર તો છેતરપીંડીની રજૂઆત કરી. એ અરજી પણ લાંબો સમય અનિર્ણિત દશામાં જ પડી રહી. આદિજાતિ કમિશનરને રજૂઆત કર્યા પછી પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાહેર થયું અને આગળ જણાવ્યું તેમ કાર્યવાહી થઈ શકી. તત્કાલીન રાજ્યપાલશ્રીએ આ સંદર્ભે પંચમહાલ કલેક્ટરનો પણ જવાબ માંગ્યો હતો.
 
 
 
 
 
સસ્પેન્શનની કાર્યવાહી થયા પછી ભૂપેન્દ્ર ખાંટ આ મામલો સર્વોચ્ચ અદાલતમાં લઈ ગયા હતા. જો કે ત્યાં પણ દસ્તાવેજોને આધારે રાજ્યના આદિજાતિ વિભાગ, ચૂંટણી પંચ, રાજ્યપાલશ્રી અને વિધાનસભા અધ્યક્ષે તેમની બરતરફી અંગે જે નિર્ણય લીધો હતો એ જ માન્ય કરી તેમની તમામ દલીલો ફગાવી દેવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં છેલ્લી સુનાવણી આ વર્ષની 11 જાન્યુઆરી 2021ના રોજ થઈ એમાં તેમનો કેસ જ ડિસમીસ કરી નાંખવામાં આવ્યો હતો. એ સમયે લાંબા સમયથી બિમાર રહેતા તેઓ આખરી ચુકાદો આવ્યાના અગિયાર દિવસ પછી કુદરતી ક્રમમાં આખરી વિદાય લઈ ગયા એમ પણ કહેવું જોઇશે.
આમ ચૂંટણી ઉમેદવારી પત્રની ચકાસણી કરવાની મહત્ત્વની કામગીરીમાં બેદરકારી દાખવવાની, ગાફેલ રહેવાની, જાણકારી ન હોય એ સંજોગોમાં ઉચ્ચ અધિકારીઓનું કે કાયદાકીય જાણકારોનું માર્ગદર્શન લેવા જેવી અનેક બાબતોમાં ચુક થઈ હોવાના કારણે છેલ્લે વિજેતા ઉમેદવારને બરતરફ કરવાની નોબત આવી. ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર 54,100 મત મેળવીને – 43 ટકા મત સાથે પરાજિત થયા હતા. બીજા ક્રમે મત મેળવનાર ઉમેદવાર લેખે તેઓએ પોતાને વિજેતા જાહેર કરવાની માગણી પણ અરજીમાં કરી હતી. જો કે સર્વોચ્ચ અદાલતે તેના આખરી ચુકાદામાં આ મામલે‘કરપ્ટ પ્રૅક્ટિસ’ની ટિપ્પણી કરી હોઈ તેમની એ માગણી ન્યાયી રીતે ઉભી રહી શકતી નથી. આમ અધિકારીઓની ભૂલને કારણે મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી નિશ્ચિત બની હતી. નિયમ મુજબ છ મહિનામાં નવા પ્રતિનિધિ માટે પેટાચૂંટણી થઈ જવી જોઇએ એ ન્યાય પ્રક્રિયાને આધિન શક્ય નહોતું બન્યું. જો કે હવે ભૂપેન્દ્રસિંહ ખાંટના અવસાન પછી 2021માં ગમે ત્યારે પેટાચૂંટણી યોજાશે એ નક્કી. પેટાચૂંટણીમાં જે ચૂંટાઈ આવશે તેને ભૂપેન્દ્રભાઈ ખાંટ કરતાં બે – ચાર મહિના માટે વધુ પદ પર રહેવાની તક મળશે. ડિસેમ્બર 2022માં પંદરમી ગુજરાત વિધાનસભાની રચના માટે સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
 
 
 
 
 
1950 થી 2020 એમ સાત દાયકાના ગુજરાતના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ હું લખી રહ્યો છું. એ સંદર્ભે જ ભૂપેન્દ્રસિંહ ખાંટ સાથે થયેલી વાતચીતમાં સ્વાભાવિક ક્રમમાં તેમણે પોતાની સામેનો બનાવટી આદિવાસી પ્રમાણપત્રનો આરોપ સ્વીકાર્યો નહોતો. પરિવાર વર્ષોથી કૉંગ્રેસ સાથે રહ્યો પણ આ એક મુદ્દે પક્ષનું કોઈ તેમની મદદે ન આવ્યું એવી પણ તેમની લાગણી હતી. ભાજપ – કૉંગ્રેસના ગજગ્રાહમાં પોતાની રાજકીય કારકિર્દીનો ભોગ લેવાઈ ગયો એમ પણ તેઓ માનતા થઈ ગયા હતા.વિધાનસભા સચિવાલયે તમને સવા – દોઢ વર્ષ સુધી જે પગાર ચુકવ્યો તે સસ્પેન્શનને આધાર બનાવી પાછો માગશે – રીકવરી કાઢશે તો શું કરશો એવા મારા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે,“પગારના બધા રૂપિયા તો મતવિસ્તારનો પ્રવાસ કરવામાં વપરાઈ ગયા છે.ગ્રાન્ટની થોડી રકમમત વિસ્તારના વિકાસ કામો કરવામાં વપરાઈ છે. મારી પાસે એના બીલો છે.”
ખાંટ પરિવાર દાયકાઓથી કૉંગ્રેસ પક્ષને સમર્પિત હતો. પરિવારને કૉંગ્રેસ શાસનના સમયમાં તેમની સેવાઓના વળતર રૂપે સસ્તા અનાજની દુકાનોના એકથી વધુ પરવાના કાઢી આપવામાં આવ્યા હતા. આ જ તેમની – પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. એ ઉપરાંત ખેતીની થોડી આવક. ભૂપેન્દ્રસિંહ ખાંટના માતા સવિતાબહેન ખાંટ ગત તેરમી વિધાનસભામાં આ જ મોરવા હડફ બેઠક પર કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લેખે ડિસેમ્બર 2012માં ચૂંટાઈ આવ્યા હતા. જો કે પરિણામ જાહેર થયું એ દિવસે સમાંતરે જ તેઓ અવસાન પામ્યા હતા. આમ તેમને ધારાસભ્ય તરીકે શપથ લેવાનો અવસર જ ન આવ્યો હોઈ ગુજરાત વિધાનસભા સચિવાલયના દફતરે તેઓ ધારાસભ્ય ગણાતા નથી. એ પછી તેમના પુત્ર ભૂપેન્દ્ર ખાંટ પણ ધારાસભ્ય તરીકે બરતરફી પામ્યા હોઈ – તેમની ચૂંટણી પ્રક્રિયા રદ થઈ હોઈ સંભવતઃ ગુજરાત વિધાનસભાનું સચિવાલય તેમને પણ ધારાસભ્ય ગણશે નહીં. આમ માતા – પુત્ર બન્ને ચૂંટણી જીત્યા હોવા છતાં એક અર્થમાં ગુજરાતના ધારાસભ્ય ગણાશે નહીં. 2012માં સવિતાબહેનના અવસાન પછી તેમના પતિ વેચાતભાઈ ખાંટને કૉંગ્રેસ પક્ષે એપ્રિલ 2019માં યોજાયેલી સત્તરમી લોકસભા ચૂંટણીમાં પંચમહાલ – ગોધરા લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા જેમાં તેઓ સવા ચાર લાખથી વધુ મતના ભારે તફાવતથી પરાજિત થયા હતા.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ ભૂપેન્દ્રસિંહ ખાંટ અને વિક્રમસિંહ ડિંડોર સાથે જુલાઈ 2020માં થયેલી ફોન વાતચીતના સંદર્ભ સાથે. –બિનીત મોદી)