મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા અને નરેન્દ્ર અમીનને વર્ષ 2004માં થયેલા ઈશરત જહાં સહિત ચાર વ્યક્તિઓના બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી મુક્ત કરવાનો અમદાવાદની સીબીઆઈ કોર્ટે આદેશ કર્યો છે. વણઝારા અને અમીનની દલીલ હતી કે આ કેસમાં તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલી ચાર્જશીટ પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી સીબીઆઈએ લીધી નથી. જેથી તેમને મુકત કરી દેવામાં આવે. સીબીઆઈ કોર્ટ દ્વારા આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજ્યની મંજુરી વગર કાર્યવાહીનો મુદ્દો ગ્રાહ્ય રાખી તેમને મુક્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વણઝારા અને અમીન સોહરાઉદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસના પણ આરોપી હતા. જેમાં મુંબઈની ખાસ અદાલતે તેમને ગત વર્ષે મુક્ત કર્યા હતા. આમ તેઓ બીજા બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી પણ નિકળી ગયા છે.

વર્ષ 2004માં અમદાવાદ પોલીસ દ્વારા કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત સહિત જાવેદ, જીશાન અને અમઝદને ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસનો દાવો હતો કે આ ચારેય આંતકી હતા અને તત્કાલીક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ઈરાદે તેઓ આવ્યા હતા. આ મામલે ઈશરતની માતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી તપાસ માંગવામાં આવી હતી. આ અંગેની પહેલી તપાસ હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ દળે કરી હતી. બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈ પોતાની તપાસમાં એન્કાઉન્ટર બનાવટી હોવાનો દાવો કરી તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. સીબીઆઈનો દાવો હતો કે આ ચારેય વ્યક્તિ પહેલાથી પોલીસ કસ્ટડીમાં હતી અને પોલીસે તેમની હત્યા કરી છે.

આ મામલે અગાઉ પુર્વ આઈપીએસ પી પી પાંડેયને પણ કોર્ટે મુક્ત કર્યા હતા જેને આધાર બનાવી વણઝારા અને અમીને પણ કોર્ટમાં અરજી કરી હતી. તેમની સામે કાર્યવાહી કરતા પહેલા સીબીઆઈએ રાજ્ય સરકારની મંજુરી લીધી નથી. જયારે સીબીઆઈની દલીલ હતી કે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજના ભાગ રૂપે કોઈ કામ કરે અને ગુનો બને તો રાજયની મંજુરી જરૂરી છે પરંતુ આ પોલીસ અધિકારીઓએ હત્યા કરી હતી જે તેમની ફરજનો હિસ્સો ન્હોતો. તેથી આ કેસમાં રાજ્યની મંજુરીની આવશ્યકતા નથી. સીબીઆઈ કોર્ટે લંબાણપુર્વક દલીલ સાંભળ્યા બાદ રાજ્યની મંજુરી જરૂરી છે તે મુદ્દો ગ્રાહ્ય રાખી વણઝારા અને અમીનને મુક્ત કર્યા છે.