મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતા અજય બિપિનચંદ્ર પટેલનું આજે રવિવારે નિધન થયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી સહુને આપી હતી. પાર્થિવ પટેલના પિતાને બ્રેન હેમરેજ પછી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા તરફથી રમવા ઉપરાંત આઈપીએલનો પણ તે હિસ્સો રહ્યો છે. તેના પિતાના નિધનને પગલે પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

36 વર્ષીય પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે પોતાના પિતાની ફોટો સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર શેર કરીને પોતાની પ્રાથનાઓમાં યાદ કરવા માટે કહ્યું છે. 25 ટેસ્ટ અને 38 વન ડે મેચ ભારત માટે રમી ચુકેલા પાર્થિવના પિતા 2019થી બ્રેઈન હેમરેજ સામે લડી રહ્યા હતા. વર્ષ 2019માં પાર્થિવના પિતાને બ્રેઈન હેમરેજ થયું હતું. તે સમયે પાર્થિવ ઈંડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેંજર્સ બેંગલોર ટીમનો હિસ્સો હતો. પાર્થિવ ભારત માટે ટેસ્ટ રમનારો સૌથી યુવાન ખેલાડીઓમાં સામેલ છે. તેણે 17 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલા માંડ્યા હતા.

પાર્થિવ પટેલે પોતાના પિતાના નિધન પર પૂર્વ ક્રિકેટર આરપી સિંહે ખુબ દુઃખ વર્ણવ્યું છે. તેણે પોતાના શોક સંદેશમાં લખ્યું કે આપના ઘરે જતો હતો, તો કેટલીક સારી યાદો પાછી આવી જતી હતી, આપ હંમેશા અમને પોતાના સંતાનોની જેમ રાખતા હતા. તે સદા મારી યાદોમાં જીવતા રહેશે તેમની આત્માને શાંતિ મળે.