મેરાન્યૂઝ નેટવર્ક.મોહાલીઃ કેટલાક લોકો એવા પણ હોય છે જેમની અંદર કાંઈક કરી બતાવવાની વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે તે પેઢીઓ સુધી લોકો માટે પ્રેરણાદાયી બની જતા હોય છે. હોકીના એક દિગ્ગજ ખેલાડી તરીકે જેમનું નામ લેવાય છે તેવા બલબીર સિંહ સીનિયરનું આજે 96 વર્ષે મોહાલીમાં નિધન થયું છે. તેમણે આજે વહેલી સવારે દુનિયાથી વિદાય લીધી હતી. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા.

તેમને ન્યૂમોનિયાની તકલીફ હતી જેથી તેમને ગત 8મી મેએ દાખલ કરવા પડ્યા હતા. આ જ વખતે સારવાર દરમિયાન તેમને ત્રણ વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેઓ ગત 18મી મેથી કોમામાં જતા રહ્યા હતા.

તેના હોક્કીના કેરિયરની ખાસ વાત પર ધ્યાન આપીએ તો બલબીર સિંહે 1952માં હેલસિન્કી ઓલિમ્પિક વખતે ફાઈનલ મેચમાં નેધરલેન્ડ્સ સામે 5 ગોલ ફટકાર્યા હતા. કોઈ એક ખેલાડીનો ઓલિમ્પિકની ફાઈનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ આજે પણ તેમના નામે અકબંધ છે, મતલબ કે હજુ સુધી ઓલિમ્પિક ફાઈનલમાં 5થી વધુ ગોલ કરી શક્યો હોય એવો કોઈ ખેલાડી જ નથી. તે મેચ ભારત 6-1થી જીત્યું હતું. આ ઉપરાંત તેઓ 1948, 1952 અને 1956માં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા. તેમને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ ઓલિમ્પિક ઈતિહાલના 16 મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. ભારત દેશના એક માત્ર આ એવા ખેલાડી હતા જેમનું નામ આ લિસ્ટમાં હતું. તે 1957માં પદ્મશ્રી મેળવનાર પણ દેશના પહેલા ખેલાડી હતા. તેમને જ્યારે પદ્મશ્રી મળ્યું ત્યારે ખેલાડી તરીકે કોઈને પદ્મશ્રી મળ્યું હોય તેવું પહેલીવાર બન્યું હતું. ઉપરાંત તેઓ 1975માં એક માત્ર વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેનેજર પણ હતા. તેમની આવી ઘણી સીદ્ધીઓ હતી જે કદાચ અહીં અમે દર્શાવી શક્યા નથી. આવા દિગ્ગજ ખેલાડીની અલવિદાથી તેમના પ્રશંસકો દુઃખી થયા છે.