મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આજે અષાઢી બીજના દિવસે જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો હતો. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી બનાસકાંઠાની બાયડ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આ પહેલા સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા પણ થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ વાઘેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. શંકરસિંહ વાઘેલા જનસંઘના નેતા રહી ચુક્યા છે અને ત્યાર બાદ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા અને ત્યાર બાદ કોંગ્રેસ સાથે પણ છેડો ફાડી ગત વિધાનસભા ચૂંટણીમાં જન વિકલ્પ મોર્ચા નામનો પક્ષ બનાવી ચૂંટણી લડ્યા હતા. જો કે તેમનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો ન હતો. રાજકીય વર્તુળોની ચર્ચા અનુસાર શંકરસિંહ વાઘેલા ભાજપની ‘બી ટીમ’ તરીકે આ ચૂંટણીમાં ઉતર્યા હતા. ત્યાર બાદ હવે લોકસભાની ચૂંટણીને એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે હવે તેમના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. હવે જોવુ રહ્યું કે મહેન્દ્રસિંહને લોકસભાની ટિકિટ ભાજપ આપે છે કે નહીં. આ પહેલા મહેન્દ્રસિંહ વાઘેલાના વેવાઇ બળવંતસિંહ રાજપૂતને ભાજપ દ્વારા ગુજરાતથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી હતી. જો કે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ હવે ફરી એક વખત શંકરસિંહને વિશ્વાસમાં લેવા માટે ભાજપે તેમના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટનો વાયદો કરી મેદાનમાં ઉતાર્યા હોઇ શકે.