મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: નોટબંધી વખતે દેશના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યમે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને સખત કાયદા સાથે મોટો ઝાટકો ગણાવ્યો છે. ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે, નોટબંધીના કારણે ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા ૭ ક્વાર્ટરમાં સૌથી નીચલા સ્તર ૬.૮ ટકા જેટલી થઇ ગઈ છે.

ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ દ્ધારા કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા કરેલી નોટબંધીની આકરી ટીકા કરી છે. તેમણે નોટબંધીને ભારતના અર્થતંત્ર તેમજ પ્રજા માટે મોટો ઝાટકો ગણાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, નોટબંધી પહેલા ભારતની અર્થવ્યવસ્થા ૮ ટકા હતી. જે નોટબંધીના કારણે છેલ્લા ૭ ક્વાર્ટરમાં સૌથી નીચલા સ્તર ૬.૮ ટકા જેટલી થઇ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે અરવિંદ સુબ્રમણ્યમ ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા.

નોટબંધી પછી પહેલીવાર આ નિર્ણય અંગે અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે, તેમની પાસે આ વાસ્તવિકતા જાહેર કરવા સિવાય કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી. તેમણે આ પ્રસંગે જણાવ્યું નહોતું કે, નોટબંધીના નિર્ણય વખતે તેમનો મત કે સુચન લેવામાં આવ્યો હતા કે નહીં. જો કે સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે વડાપ્રધાને નોટબંધીના નિર્ણય વખતે સીઈએ અરવિંદ સુબ્રમણ્યમનો કોઈ અભિપ્રાય લીધો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે, નોટબંધી અર્થતંત્ર માટે મોટો ઝાટકો હતો. કારણ કે, એક જ ઝાટકામાં દેશની ૮૬ ટકા ચલણી નોટ પરત ખેંચી લેવામાં આવી હતી. જેના કારણે પહેલાથી જ ઘટી રહેલા જીડીપી ગ્રોથના ઘટાડામાં તેજી આવી ગઈ હતી.