તુષાર બસિયા (મેરાન્યૂઝ.રાજકોટ) એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ૩ કૃષિ સંબંધિત કાયદાને લઈ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના નેતાઓની ફોજ ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા મેદાને પડી છે. આવા જ એક કાર્યક્રમમાં દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક બફાટ કરતા જણાયા હતા. આવા બફાટ કરતા પહેલા નેતાઓ જરા પણ ખચકાટ નથી અનુભવતા એ સૂચવે છે કે નેતાઓને લગામ નથી. (વિડીયો લેખના અંતમાં રજૂ કરેલ છે.)

ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ સંબંધિત અધ્યાદેશોને લઈ નારાજ છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર મહિનાઓથી બેઠા છે અને હવે ગુજરાતમાં પણ ખેડૂતો એકત્રિત થવા લાગ્યા છે. સ્થિતિ પારખી સરકારે પણ નેતાઓને સૂર્યોદય યોજનાના નામે ખેડૂતો પાસે મોકલી ફાયદા સમજાવવાના કાર્યક્રમો શરૂ કરી દીધા છે. આ પ્રકારનો એક કાર્યક્રમ દ્વારકા જિલ્લાના લાંબા ગામે યોજવામાં આવ્યો હતો. જ્યાં પબુભા માણેકે મંચ પરથી ભાષણ કરી સરકારી યોજનાની વાહવાહી કરી હતી. પરંતુ તેઓ સરકારની વાહવાહી કરવામાં આપો ખોઈ બેઠા હોય તેવું ભાષણ આપવા લાગ્યા.

ભાષણમાં પબુભા માણેક એવું કહેતા જણાયા કે “ ડોસાઓ માટેની પણ યોજનાઓ છે, માનો કે કોઈ બીડી કે હુક્કો કે કોથળી પીતા હોય તો તેને 5-10 હજારનો ખર્ચો હોય, તો એ પણ 6 હજાર રૂપિયા આપે છે. આપણો બાપો છે ને નરેન્દ્રભાઈની બીડી પીવે છે સવારમાં ઉઠીને. ” આવા બેફામ નિવેદનો કરી નેતાઓ લાઈમલાઈટમાં રહેવાના પ્રયત્નો કરતા હોય તો એ બાબત ખુબ જ દુઃખદ છે. સાથે જ ભાષણના લીધે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ ભાષણથી તેમને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ ખેડૂતોને વ્યસન માટે અપાતી હોય તેવું લાગવા લાગ્યું છે. સાથે જ ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે એ પણ તેમના ભાષણમાં કોથળી પીવાની વાત પરથી જાણી શકાય છે. સાથે જ તેમને પાક વિમા બાબતે પણ ક્હ્યું કે ખેડૂતો વિચારે છે કે પાક વિમો ભરી દો બાવળ કોણ હટાવે. હવે આનાથી વધારે તો શું આપે તમને ?

આ બાબતે મેરાન્યૂઝના પત્રકારે પબુભા માણેક સાથે ટેલીફોનીક વાત કરતા તેમને જણાવ્યું છે કે, તમે આવા નાના-નાના મુદ્દા શા માટે ઉઠાવો છો ? કઈંક સારૂ સારૂ લખોને યોજનાનું. કોથળી બાબતે પુછવામાં આવતા પબૂભા કહે છે કે વિમલની કોથળીની વાત કહેવા માંગતો હતો દારૂની નહીં. પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે તેમને કોથળી પીવાની વાત કરી જ્યારે વિમલ ગુટખાને વ્યસનીઓ પીતા નથી હોતા પરંતુ ચાવતા હોય છે. ઉપરાંત તેમને એવું પુછવામાં આવ્યું કે ખેડૂતો પરિવારને 6000 રૂપિયા વાર્ષિક એટલે પ્રતિદિન 16 રૂપિયાની જેટલી રકમ થાય તો આટલી રકમમાં પરિવાનું પેટ ભરાઈ કેમ. તેના જવાબમાં તેમને ખેડૂતોને હોશીયાર ગણાવ્યા અને કહ્યું કે ખેડૂતો ભોળા નથી તે જમીનના અલગ-અલગ ભાગ પાડીને પછી વધારે લાભ લે છે. તેમના મતે આવું કરવામાં ખોટું નથી એવું પણ તેમને જણાવ્યું છે. સાથે વિવાદિત નિવેદેન મામલે તેમને જણાવ્યું છે કે તેમને ખેડૂતો સાથે ચા-પાણીનો ડાયરો ચાલતો હતો ત્યારે આવી વાતો થતી હતી એટલે તેમને રમૂજમાં આવું કહ્યું. 

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ પબૂભા માણેક મોરારીબાપૂ પર હુમલાના પ્રયાસને લઈ મિડીયામાં છવાયા હતા. એ વખતે આહિર સંગઠનો દ્વારા પણ પબુભા માણેકની આ હરકતનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં એક આહિર યુવાન કાળો વાવટો પણ પબુના ઘર સામે ફરકાવી વિરોધ નોંધાવી ચૂક્યો છે. આવા વાહિયાત નિવેદનોથી નેતાઓ શું સાબિત કરવા માંગતા હોય એ તો તેમને જ ખબર હોય. પણ જાહેરજીવન સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આવા નિવેદનોની આશા નથી હોતી.