મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ક્રિકેટ વર્લ્ડ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના જાણિતા ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ડીન જોન્સનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તે આઈપીએલની કોમેન્ટ્રીને લઈને મુંબઈ હતો ત્યારે આ દુઃખદ ઘટના ઘટી છે.

ડીન જોન્સનું 59 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. મુંબઈમાં હાર્ટ એટેકને કારણે આવું બન્યું છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ જોન્સ ઘણો એક્ટિવ રહેનાર વ્યક્તિ હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોર્લર બ્રેટ લીએ આ વાતની જાણકારી જાહેર કરી છે. ડીન જોન્સની ગણતરી ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ક્રિકેટર્સમાં અને ધાકડ ફિલ્ડર તરીકે થતી હતી. જોન્સે 52 ટેસ્ટ, 164 વનડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટેસ્ટમાં 216 અને વનડેમાં 145 રન ડીન જોન્સનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. રનિંગ વિટવીન વિકેટમાં તે ખુબ કુશળ હોવાનું ગણવામાં આવતું હતું અને ઝડપી સિંગલ ડબલ લઈને સ્ટ્રાઈક રોટેટ કરવામાં માહેર ગણાતા.

તેણે ટેસ્ટ ક્રિકેટમાં 46.55 ની સરેરાશથી 3631 રન બનાવ્યા જેમાં 11 સદી અને 14 અડધી સદીનો સમાવેશ છે. વનડેમાં જોન્સે 44.61ની પ્રભાવશાળી સરેરાશથી 6068 રન બનાવ્યા, જેમાં સાત સદી અને 46 અડધી સદી હતી. જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં 34 અને વનડેમાં 54 કેચ પકડ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ વિશે વાત કરતાં ડીને 245 ફર્સ્ટ ક્લાસ મેચમાં 19188 રન બનાવ્યા હતા, જ્યારે તેની અણનમ 324 રન ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર હતો.

જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારી હતી, જેમાં 1986 માં ચેન્નાઇ (તે સમયે મદ્રાસ) માં ભારત સામે 210 રનની ઇનિંગ્સનો સમાવેશ હતો.