પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : રસ્તામાં આપણે ઘણી વખત ઝઘડો કરતી વ્યકિતઓને જોઈ છે. ઝઘડો કરનાર બંન્ને એકબીજા માટે અજાણ્યા હોય છે શરૂઆતમાં મુદ્દા આધારીત ઝઘડો શરૂ થાય છે પણ અચાનક તમને એક વાકય સંભળાય તુ મને ઓળખતો નથી હું કોણ છુ તને ખબર છે હું કોણ છે. હવે વાકય બોલનાર  નરેન્દ્ર મોદી કે પછી રાહુલ ગાંધી તો નથી તો સામેની વ્યકિતને કેવી રીતે ખબર પડે છે તે જેની સાથે ઝઘડી રહ્યો છે તે કોણ છે. આવી ઘટનાઓ તમે પોતે પણ અનેક વખત જોઈ અને સાંભળી હશે માણસ ગુસ્સામાં આવે ત્યારે જ ભલે આવુ બોલતો હોય છે પણ  જેમણે પૈસા કમાવી લીધા છે, કોઈ રાજકિય પક્ષમાં કામ કર્યુ  હોય કે પછી પત્રકાર-કલાકાર તેમના અજાણ્યા મનમાં પોતાને મળવી જોઈએ એટલી ઓળખ મળી નથી તેવુ સતત લાગ્યા કરે છે, ઓળખનો અભાવ મનને સતત બેચેન બનાવે છે.

પોતે પોતાના શ્રેત્રમાં ખુબ સારૂ કામ કર્યુ છે પણ તેની જોઈએ એટલી નોંધ લેવાઈ નથી જેના કારણે પોતાને મળવી જોઈએ તેવી ઓળખ મળી નથી તેવુ સમાજનો એક મોટો વર્ગ માને છે, અને આવી સ્થિતિ ઘણી વખત નિરાશાને જન્મ આપે છે. આપણા રાજય અને દેશના અનેક નેતાઓ એવા છે કે જેઓ ઉમંરના કારણે હવે કામ કરી શકે તેમ નથી છતાં તેઓ સક્રિય રાજકારણ છોડી શકતા નથી, કારણ તેમને લાગે છે કે જો તેઓ રાજકારણ છોડી દેશે તો સમાજ તેમને રાજકારણમાં આપેલા યોગદાનને ભુલી જશે. આ પ્રકારનો વિચાર કરનારા માત્ર રાજકારણમાં જ હોય છે તેવુ નથી વિવિધ સંસ્થાઓમાં કામ કરનાર પણ માને છે કે તેમના કારણે જ તેમની સંસ્થા ચાલી  રહી છે. તેઓ ભુલી જાય છે તેમના જન્મ પહેલા પણ આ સંસ્થા ચાલતી હતી અને તેમના મૃત્યુ પછી પણ સંસ્થાઓ ચાલતી રહેશે, આવુ જ પત્રકારત્વમાં પણ મેં જોયુ છે આખી જીંદગી સચિવાલય રીપોર્ટીંગ કરવાને કારણે રોજ મુખ્યમંત્રીથી લઈ મંત્રી અને સચિવો સાથે કામ કર્યા પછી જીવન થોડોક શ્વાસ લેવાનો સમય આવે ત્યારે પણ અંદરનો માહ્યાલો જીવવા દેતો નથી અને સ્ટ્રેચરમાં લાવવા પડે તેવી સ્થિતિમાં પણ તે સચિવાલયના ચક્કર કાપતો રહે છે.

ગુજરાતના રાજકારણમાં વિરોધીઓ પણ માધવસિંહ સોંલકીનું નામ આદર પુર્વક લે છે તેનું કારણ તેઓ સત્તામાં હતા અને ત્યારે સત્તા છોડયા પછી પોતાની ગરીમા જળવાય તેવી રીતે જીવ્યા છે. માધવસિંહ સોલકીની સરકારમાં કોંગ્રેસ 149 બેઠકો મળી હતી, આ તેમની લોકપ્રિયતા બતાડે છે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી તેમની ઈચ્છા માધવસિંહ સોલકીનો રેકોર્ડ તોડી 150 બેઠકો જીતવી હતી પણ તે શકય બન્યુ નથી, ગુજરાતના મુખ્યમંત્રી પછી રાજીવ ગાંધીની સરકારમાં તેઓ વિદેશ મંત્રી બન્યા અને બોર્ફસકાંડમાં તેમનો ઉલ્લેખ આવતા તેમણે રાજીનામુ આપ્યુ અને રાજકારણ તરફ કયારેય પાછુ વળી જોયુ નહી આટલા વર્ષો પછી પણ તેઓ કયારેય કોંગ્રેસની ઓફિસે અથવા કોઈ કોંગ્રેસના કાર્યક્રમમાં આવ્યા નથી આમ તેમણે પોતાને રાજકારણથી અલીપ્ત કરી દીધા, તેમણે પોતાની જાતને સમજાવ્યુ કે આપણો સમય પુરો થઈ ગયો છે.

આપણો સમય પુરો થઈ ગયો છે અને હવે આપણને કોઈ ઓળખે નહીં અથવા બોલાવે નહીં તો કઈ વાંધો નહી તેવુ પોતાના મનને સમજાવવુ બહુ અધરૂ હોય છે. પોતાને મળેલી ઓળખ અથવા ઓળખનો અભાવ સતત ઓળખને જાળવી રાખવા માટે કઈકને કઈક કરાવે છે, સમય બદલાયો છે , પેઢી બદલાઈ ગઈ છે અને આપણે એક દિવસ ભુલાઈ જઈશુ તે સ્વીકારી લેવુ પડે, રીપોર્ટીંગમાં આટલા વર્ષો પસાર કર્યા જેના કારણે મને ઘણા બધા લોકો ઓળખે છે તે સારી વાત છે અને તેનો આનંદ પણ થાય છે પણ કયારેક એવુ પણ બને કે આપણને કોઈ ઓળખે નહીં તો માઠુ લગાડવાની જરૂર નથી આ વખતે આપણે સામેવાળી વ્યકિતને હું કોણ છુ તેવો પ્રશ્ન પુછવાને બદલે પોતાની જાતને પ્રશ્ન પુછવો જોઈએ કે હું કોણ છે, તો કદાચ આપણને આપણો જવાબ મળી જશે કે આપણે કઈ જ નથી આપણે કોઈ એક સંસ્થામાં કામ કરતા હતા એટલે આપણને લોકો ઓળખતા હતા, આપણે તે વખતે કરેલુ કામ ખરેખર લોકોને ગમ્યુ માટે આપણને ઓળખતા હતા

આજે આપણે કઈ કરતા નથી તો આપણે કોઈ ઓળખતુ નથી તો સમયના પરિવર્તનના આ ક્રમને આપણે સ્વીકારવો પડશે, આવુ બધુ જાહેર જીવન જીવનાર અથવા જાહેરજીવનની નજીક રહેનારસાથે જ નહીં તમારા અને મારા જેવા સામાન્ય માણસને પણ થાય છે કેટલીક  વ્યકિતઓ સતત પોતાના પરિવાર અને મિત્રો માટે તેમણે કર્યુ તેની વાત કર્યા કરે છે, આવા વ્યવહાર પાછળ પણ ઓળખનો અભાવ હોય છે તેમને લાગે છે કે તેમને પરિવાર અને મિત્રો માટે જે કર્યુ તેની જેમણે નોંધ લેવી જોઈતી હતી તેમણે લીધી નથી જેના કારણે તેઓ સતત પોતાની નોંધ લેવાય તેવા પ્રયત્ન કરતી હોય છે. આમ પોતાની ઓળખ પોતે જ ભુલી જવી અધરી હોય છે પણ મુશ્કેલ હોતી નથી