મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ફુટબોલની રમતને વધુ પ્રોત્સાહન આપવા હિંમતનગર અને ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતા કહ્યું છે કે, રાજ્ય સરકારે રૂપિયા ૫૧૬ કરોડનું બજેટ ફાળવી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું છે.
      
અમદાવાદ ખાતે ટી ટ્વેન્ટી ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રમતજગતને પ્રોત્સાહન આપવા ખેલમહાકુંભ શરૂ કરાવ્યો હતો.તેમાં આજે સરિતા ગાયકવાડે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી છે.આ ઉપરાંત વિવિધ શાળાઓના ૪૦ લાખથી વધુ બાળકો ખેલમહાકુંભમાં રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.
      
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અગાઉ રમતગમત ક્ષેત્રે માત્ર ૨૦ કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવતું હતું. પરંતુ આ સરકારે રૂપિયા ૫૧૬ કરોડનું બજેટ ફાળવી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું છે.એટલું જ નહીં ખેલાડીઓને શક્તિદૂત યોજના હેઠળ રૂપિયા ૭૫ કરોડ જેટલો ખર્ચ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તે માટે પ્રોત્સાહન પુરું પાડયું છે. તેમણે કહ્યું કે, ફુટબોલ ક્ષેત્રે માત્ર બંગાળની ટીમ જ નહીં પણ હવે ગુજરાતની ટીમ પણ નામ રોશન કરશે. આ ૭મી ટુર્નામેન્ટમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ૮૪ જેટલી ટીમો ભાગ લઇ રહી છે.આ ટુર્નામેન્ટમાં રાજ્યની ૧૦૦થી વધુ સ્કુલોના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.