મેરાન્યૂઝ નેટવર્ક.મહિસાગરઃ મહીસાગર જીલ્લામાં ગઢના પ્રાથમિક શાળાના શિક્ષકે કેમેરામાં કેદ કરેલા વાઘના દ્રશ્યો થી વનવિભાગ તંત્ર હરકત માં આવ્યું હતું અને નાઈટ વિઝન કેમેરામાં સંતરામપુર વિસ્તારમાં આવેલા સંત પાર્ક જંગલમાં વાઘના દ્રશ્યો કેદ થતા સમગ્ર વિશ્વ અને દેશના ફલક પર મહીસાગર જીલ્લો અને વાઘ ચમક્યો હતો વાઘે એક પશુપાલકના બકરાનો  શિકાર પણ કર્યો હતો ત્યારબાદ વાઘ ગાયબ તથા વનવિભાગ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથધર્યું હતું ૪ દિવસ અગાઉ લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી વાઘનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા વનવિભાગના કર્મચારીઓ અને વન્ય પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી વનવિભાગ દ્વારા વાઘના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જ્યાંથી વાઘની તસ્વીર લીધી હતી તેના નજીકના વિસ્તાર એવા  લુણાવાડા-ગોધરા રોડ પર શિંગનલી ચોકડની નજીક જોગમાયા હોટલની પાછળ આવેલ તળાવ નજીક દીપેન્દ્રસિંહ રાઠોડના ખેતરમાં પાણી ભરાયેલ જગ્યામાં દીપડાના પગલાં ને બાળ વાઘના પગલાં સમજી વનવિભાગ તંત્રને જાણ કરતા લુણાવાડા ફોરેસ્ટ અધિકારી રોહિત પટેલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી ફુટમાર્કના આધારે બાળ વાઘ નહિ પરંતુ દીપડાના પગના પંજાના નિશાન હોવાનું જણાયું હતું આ વિસ્તારમાં વાઘનો પરિવાર રહેતો હોવાની વાયકા પર વધુ એકવાર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

લુણાવાડા ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ સાથે વાત કરતા જણાવ્યું  હતુંકે દીપેન્દ્રસિંહ રાઠોડના ખેતર નજીક મળી આવેલ ફૂટમાર્ક દીપડાના હોવાનું જણાવી વધુ જાણકારી આપી હતી કે વાઘના પગ ની સાઈઝ ૧૨ સે.મી થી વધુ હોય છે અને તેનો આકાર હથેળી જેવો હોય છે અને  દીપડાના પગની સાઈઝ ૫ સે.મી થી મહત્તમ ૧૦ સે.મી જેટલી હોય છે અને તેનો આકાર કેરી જેવો હોય છે ખેતર નજીક થી મળી આવેલ ફૂટમાર્ક ૬ સે.મી અને તેનો આકાર પણ કેરી જેવો હોવાથી મક્કમતા પૂર્વક જોવા મળેલ ફૂટમાર્ક દીપડાનો હોવાનું જણાવ્યું હતું.