ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારત સરકારના ગોદામોમાં ૧ એપ્રિલે ૭૩૭.૫ લાખ ટન ઘઉં અને ચોખાનો સ્ટોક હતો. બે મહિના પછી, નવી સીઝનની સરકારી ઘઉં પ્રાપ્તિને પગલે, જુન અંતે આ સ્ટોક ઓલ ટાઈમ ઐતિહાસિક ઉંચાઈએ ૯૭૦ લાખ ટને પહોચી ગયો છે. આજની તારીખે આ સ્ટોક દેશની વ્યુહાત્મક માંગ, અને ઓપરેશનલ અનામત કરતાં સાડાત્રણ ગણો વધુ થઇ પડ્યો છે. ૨૦૧૯-૨૦ની ઘઉં ઉત્પાદક મોસમમાં આખો દેશ રાજી થઇ જાય તેટલી, એકલા ઘઉંની ૩૮૫ લાખ ટન પ્રાપ્તિ થઇ છે.

અહી નોંધ લેવા જેવી બાબતે એ છે કે પંજાબને પાછળ છોડીને મધ્યપ્રદેશે સૌથી વધુ સરકારી ગોદામોમાં ઘઉં ઠાલવ્યા હતા. અલબત્ત, વરસાદને કારણે ખરાબ થયેલા નબળી અને વાજબી ગુણવત્તાના ઘઉં ખરીદવામાં મધ્યપ્રદેશ માટે નિયમોમાં કેટલીક ઢીલ મૂકાઈ હતી. સરકારે ગુણવત્તાના ધોરણો હળવા કર્યા તેને પગલે, આ વર્ષે પ્રાપ્ત કરવામાં આવેલા ઘઉંમાંથી ૭૦ ટકા નબળા ઘઉં મધ્યપ્રદેશમાંથી મેળવાયા છે.

કોરોના મહામારી, મજૂરોની અછત, કોથળાની ઓછી ઉપલબ્ધતા, મંડીઓમાં નિયંત્રણો અને સોસિયલ ડીસ્ટન્સિંગ નિયમો લાગુ હોવા છતાં ૧૨૯.૩ લાખ ટન ઘઉં પ્રાપ્તિ સાથે પ્રથમ નંબરે મધ્યપ્રદેશ અને ત્યાર પછી ૧૨૭.૧ લાખ ટન સાથે પંજાબનો નંબર હતો. મધ્યપ્રદેશનું વાવેતર ૨૫ લાખ હેક્ટર વધીને ૧૦૦.૨ લાખ હેકટરમાં થયું હતું. લાંબુ ચાલેલું ચોમાસું સાથે ખેડૂતોની સારી માવજતને લીધે ઉપજ ઉતારા પણ વિપુલ આવ્યા હતા.

આ ઘટનાક્રમમાં હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા માટે જમા થયેલા આ સ્ટોકને સાચવવો માથાનો દુઃખાવો થઇ પડ્યો છે. જો આર્થિક અને સામાજિક દ્રષ્ટીએ જોઈએ તો વધારાનું અનાજ લોકોમાં મફત વેચી દેવાય તો પણ કશો વાંધો આવે તેમ નથી. આ સપ્તાહે રજુ થયેલી પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રમાણે દેશના ૮૦ કરોડ લોકોને માસિક પાંચ કિલો અનાજ મફતમાં વેચવાની યોજનાને વડાપ્રધાને નવેમ્બર સુધી વધુ પાંચ મહિના લંબાવવાની જાહેરાત કરી હતી. બધું મળીને આ આયોજનામાં ૩૨૦ લાખ ટન અનાજ મફતમાં વિતરિત કરવામાં આવશે.

૩૨૦ લાખ ટન અનાજ વિતરણ વ્યવસ્થા પાછળનો ખર્ચ રૂ. ૧૭૨૮૦ કરોડ અંદાજાયો છે. આર્થિક રીતે વિચારીએ તો કહી શકાય કે એફસીઆઈને આ ખર્ચ કોઈ રીતે પરવડે નહિ. તેમની ચોખા પ્રાપ્તિ, બેગેજીંગ, ટ્રાન્સપોર્ટ, હેન્ડલિંગ, સ્ટોરીંગ, અને વિતરણનો સરેરાશ કિલો દીઠ ખર્ચ રૂ. ૩૭.૨૭ છે, અને ઘઉંનો ખર્ચ રૂ.૨૬.૮૪ આવે છે. એમાં કોઈ શંકા નથી કે એફસીઆઇમાં ખડકાયેલા અનાજના ડુંગરાનું મહત્વ એટલુજ છે કે લોકો ભુખમરીને કારણે અથવા કોરોના મહામારીના સમયે શહેરી યુદ્ધ કરવા ઉતરી ન પડે તે માટે તેનો શક્ય ઉપયોગ કરી શકાય છે. યાદ રહે ૧૯૪૩મા બંગાળ દુષ્કાળ અને ભૂતકાળમાં આવી કુદરતી આફતો ઉતરી આવી ત્યારે સિવિલ વોરની સ્થિતિ સર્જાઈ હતી.   

આ બધું છતાં આટલું બધું અનાજ શા માટે ભેગું કરવામાં આવ્યું છે? તેને ન્યાયિક ઠરાવી નથી શકાયું. ૨૦૧૯-૨૦ના પાકમાંથી ૩૯૦ લાખ ટન ઘઉં અને ૫૦૦ લાખ ટન કરતા વધુ ચોખાની સરકારી પ્રાપ્તિ કરવામાં આવી છે. જો પ્રધાન મંત્રી મફત અનાજ વિતરણ યોજનાને નવેમ્બર પછી પણ લંબાવવામાં આવશે તો પણ એફસીઆઈ જે અનેક સમસ્યાથી ઘેરાઈને પડી છે, તેનો છુટકારો નથી થવાનો એ નક્કી છે.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)