મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લાખ્ખો રૂપિયાના ફાફડા- જલેબીની લોકોએ લિજ્જત માણી લીધા પછી જીલ્લા ફૂડ તંત્રની આંખો ખુલી હોય તેમ મીઠાઈની દુકાનોમાં તપાસ હાથધરતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે નકલી ઘીની જલેબી અસલી ઘી ના નામે વેચી વેપારીઓએ ખિસ્સા ભરી લીધા પછી મોડે મોડે તંત્રની ઉંઘ ઉડી હોય તેવું જાગૃત નાગરિકો અહેસાસ અનુભવી રહ્યા છે હાલ તહેવારના દિવસોમાં માંડ મોં મીઠુ કરવા લોકો મિઠાઇ ખરીદતા હોય છે. પરંતુ કેટલાક વેપારી તગડો નફો રળી લેવાની લ્હાયમાં નકલી માવાની મિઠાઇ વેચી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે તંત્રએ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં  ચેકીંગ હાથ ધર્યું છે.

Advertisement


 

 

 

 

 

હાલ તહેવારોની મૌસમ ચાલુ થઈ છે. જેને લઈ  શહેરમાં ઠેરઠેર ફાસ્ટફુડના વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમ નજર હેઠળ જાહેર માર્ગો ઉપર ફાસ્ટ ફુડનું વેચાણ જોરમાં વધી રહ્યું છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા કોઈ પણ દુકાનમાં મીઠાઈની ગુણવત્તાનું ચેકીંગ હાથ ધર્યું ન હોવાની બૂમો ઉઠી હતી ફરસાણના કાચા માલની ગુણવત્તા ચકાસી.શહેરમાં ઠેર-ઠેર ઉભી રહેતી ખાણી-પીણીની લારીઓના ખાદ્યપદાર્થોની ગુણવત્તા કોણ ચકાસશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.

મોડાસા શહેર સહીત સમગ્ર જીલ્લામાં ફાસ્ટફૂડનો વેપાર વધી રહ્યો છે. જ્યાં અમુક અપવાદ બાદ કરતાં ઘણી જગ્યાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતાના ધોરણો લોકોના આરોગ્યને હાનિકરાક હોય છે. જ્યારે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આમજનતા સ્વાભાવિક પણે બહાર ફરવા સાથે બહારનો ખોરાક અને નાસ્તાની જયાફત ઉડાવતી હોય છે. હાનિકારક ખાદ્ય પદાર્થો દુકાનો અને સ્ટોલ પર લેભાગુ વેપારીઓ  કોઈપણ જાતના ડર કે સંકોચ વિના ચલાવી  રહ્યા છે. ત્યારે જિલ્લા અને તાલુકાનું આરોગ્ય ખાતુ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમ નજર હોય તેમ ખુલ્લો પરવાનો આપી દીધો છે કે શું...? ત્યારે લોકોના આરોગ્ય સામે મહાપ્રશ્ન ઉભો થયો છે.

Advertisement


 

 

 

 

 

ભેળસેળયુક્ત મિઠાઈ ખાવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આવી મિઠાઈ ખાવાથી ફૂડ પોઈઝનીંગ થઈ શકે છે. જેની અસરથી ઝાડા, ઉલ્ટી જેવી ઘટનાથી મૃત્યુ થવાની પણ શક્યતા છે. બજારમાં કેમિકલ તથા સુગંધ માટે ઘણીવાર પ્રતિબંધાત્મક રસાયણ નંખાય છે. જેથી ચામડીના રોગ તથા પાચનતંત્ર નબળું થવાની શક્યતા છે. મિઠાઈમાં જે ચાંદીની વરખ ચઢાવવામાં આવે છે તે ઉપરાંત અમુક વેપારીઓ તેમાં એલ્યુમિનિયમ ભેળવી દે છે. તે ખાવાથી કેન્સર જેવી ભયાનક બિમારી થવાની પણ શક્યતા છે.

નવરાત્રીના તહેવારમાં મીઠાઈ તેમજ દૂધ અને દૂધની બનાવટોની માંગ વધુ રહે છે ત્યારે કેટલાક પ્રખ્યાત વેપારીઓ દ્વારા ભેળસેળીયા માવાની ખરીદી કરી આ માવો દૂધમાંથી બનતો હોવાની જાહેરાતો કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી તાલુકામાં ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની રાવ ઉઠી છે.