ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): જગતની સ્વાસ્થ્ય કટોકટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી અનાજ કટોકટી નિવારવાની આપણે રાહ ન જોઈ શકીએ. કોરોનાએ તેની મજબુત છાપ વિશ્વના માનવ સમુદાયનાં સ્વાસ્થ્ય પર છોડી છે. આ સ્થિતિમાં તમામ માનવજાતને પુરતો ખોરાક મળી રહે અને તેનું સ્વાસ્થય જળવાઈ રહે, તેની ખાતરી કરવા આપણે અનાજના વાવેતરને કોઈ રીતે અવગણી શકાય તેમ નથી. જો આપણે આ સ્થિતિમાં અનાજ ઉગાડવાની વ્યવહારુ, મજબુત અને વ્યુહાત્મક ખેવના નહિ કરીએ તો માનવજાતના આધુનિક ઇતિહાસમાં સૌથી ખરાબ ખોરાક કટોકટીમાં આપણે પ્રવેશ કરી જઈશું.

આ માટે વ્યાપક પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વ્યુહાત્મક અને ધરખમ સહકાર કરવાની પણ આવશ્યકતા છે. કોરોના મહામારીએ વિશ્વવ્યાપાર પર અસામાન્ય કહી શકાય તેવી અસરો સ્થાપિત કરવાનું શરુ કર્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ૨૦૨૦મા ૩૨ ટકા વિશ્વ વેપાર ઘટી જવાની શક્યતા બળવત્તર બની છે. આપણે હવે એકથી બીજા દેશમાં અસરકારક અનાજ સ્થળાંતરની સુદ્રધ્ધ પદ્ધતિ વિકસાવવાની આવશ્યકતા છે.  

કોરોના મહામારીમાં વિશ્વિક અનાજ કટોકટી આવી પડી છે, પરિણામે ખોરાકના ભાવ ઉર્ધ્વગતી કરવા લાગ્યા છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફાઓ (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નો તાજો અહેવાલ કહે છે કે વૈશ્વિક અનાજ ભાવ, ઓગસ્ટમાં સતત ત્રીજા મહીને વધીને, ફેબ્રુઆરી પછીની નવી ઉંચાઈએ ગયા હતા. જાગતિક બજારમાં થતા સામાન્ય અનાજ વેપાર વૈશ્વિક ભાવનો તાગ મેળવી ફાઓએ ફૂડ ઇન્ડેક્સ બનાવ્યો છે.
ફાઓના અનુમાન પ્રમાણે વિશ્વના ૮૨ કરોડ લોકોને રોજ રાતે ભૂખ્યા સુઈ જવાની ફરજ પડે છે, આમના ૧૩.૫ કરોડ લોકો તીવ્ર ભુખમરીનો સામનો કરી રહ્યા છે. ૨૦૨૦મા કોરોનાને કારણે વધુ ૮.૩થી ૧૩.૨૦ કરોડ લોકો ભુખમરીનાં નરકની શ્રેણીમાં આવી જશે. આનો અર્થ એ થાય કે કોરોના મહામારીમાં ભૂખ્યા લોકોની સંખ્યા વર્ષાંતે બમણી થઇ જશે.


 

 

 

 

ફાઓ કહે છે કે અનાજના ભાવ વધવાનું એક કારણ માંગ વૃદ્ધિ અને બીજું ખાસ કરીને નબળો ડોલર પણ છે. મોટાભાગના વિશ્વિક કાચા અનાજના ભાવ ડોલરમાં બોલાય છે અને તે નબળો પડવાથી ભાવને આપોઆપ ટેકો મળવા લાગે છે. કોરોના વાયરસના આરંભ સાથે જ તમામ દેશોની સ્થાનિક અનાજ સપ્લાઈ ચેઈન ખોડંગાવા લાગી, બીજો ધક્કો અનાજ ઉત્પાદન (ખેતી)ને લાગ્યો. પછી તો લોકોની આવક ઘટવા લાગી, વિદેશી નાગરિકોની દેશમાં આવતી આવક ઘટવા લાગી, પરિણામે માનવજાત મુંજારા મુકાઈ ગઈ. વિશ્વ બેંક કહે છે કે અસંખ્ય દેશમાં અનાજ કટોકટી માટે આવા કારણો જોખમી બન્યા છે.

વર્લ્ડ બેંક કહે છે કે કોરોના વાયરસથી બચવાના ઉપાય તરીકે અસંખ્ય દેશોએ લીધેલા આડેધડ પગલાઓએ અનાજ ફુગાવાનાં હવનમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અલબત્ત, અનાજના જાગતિક ભાવો તબક્કાવાર સ્થિરતા પ્રાપ્ત કરશે. ખોરાક લેવાની પદ્ધતિમાં બદલાવ અને ખોરાક પર મર્યાદાઓ આવી જતા, તુરંત બગડી જતી (પેરીસેબલ) ચીજો અને ન્યુટ્રીશીયસ ચીજોના ઉત્પાદકો તો મોટી ખોટના ખાડામાં ઉતરી ગયા છે.

જો કે અહી એક વાત સૂચક છે કે અનાજ કટોકટી અછતને કારણે નહિ પણ હવે પછી કૃષિ કાચામાલો, ખાતર, બિયારણ, મજૂરોની અછત જેવા કારણોસર આગામી મોસમનો પાક મુશ્કેલીમાં મુકાવાની શક્યતાઓને લીધે આવશે. જો કે કોરોના મહામારી શરુ થવા અગાઉ જાગતિક અનાજના ભાવમાં વધારો જોવાઈ રહ્યો હતો, ભાવો આસમાને જવા પાછળના કારણોમાં ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૌથી ખરાબ તીડનો ખેતરો પર હુમલો, હવામાનમાં જબ્બર પરિવર્તન, અને પશુઓમાં આફ્રિકન સ્વાઈન ફ્લુના હુમલાએ પણ ભૂમિકા ભજવી છે.      

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)