મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલએ પોતાના પદથી તાત્કાલીક અસરથી રાજીનામું આપી દીધું છે. કંપનીના વૉલમાર્ટની તરફથી સંપાદન કર્યાના ફક્ત 6 મહિના બાદ આ આશ્ચર્યજનક ઘટનાક્રમ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે બિન્ની બંસલે પોતાના જુના મિત્ર સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. જોકે સચિને પોતાની કંપનીના વેચવાના સમયે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે બિન્ની બંસલ રાજીનામા બાદ કંપનીના બોર્ડમાં રહેશે કે નહીં.

સ્ટ્રીટ ઈન્સાઈડર વેબસાઈટના રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ગંભીર અંગત દુર્વ્યવહારના આરોપો બાદ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી કરાયેલી સ્વતંત્ર તપાસ પછી બિન્નીએ આ નિર્ણય કર્યો છે. તેમણે પુરી રીતે આરોપોને ફગાવ્યા હતા. આ પુરી તપાસ દરમિયાન બિન્નીએ જે તરીકેનો વ્યવહાર કર્યો તેનાથી તેમનો પક્ષ ઢીલો પડી ગયેલો દેખાયો અને પારદર્શિતાનો અભાવ નજરે પડ્યો હતો. તે બાદ અમે તેમના રાજીનામાનો સ્વીકાર્ય કરી લીધો’

વોલમાર્ટ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, બિન્ની બંસલે આજે ફ્લિપકાર્ટ સમૂહના સીઈઓ પદથી તત્કાલ રાજીનામાની જાહેરાત કરી છે. બિન્ની કંપનીની સહસ્થાપના સમયથી મોટો હિસ્સો રહ્યા, પણ હાલના ઘટનાક્રમને લઈને બિન્નીએ પદથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમનો આ નિર્ણય ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી એક સ્વતંત્ર તપાસ બાદ આવ્યો છે. તેમના પર વ્યક્તિગત દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો, જેની તપાસ ચાલી રહી હતી.