મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉન વચ્ચે ઘણા બીજા રાજ્યોમાંથી આવેલા લોકો ફસાઈ ગયા હતા. જેઓ લાખોની સંખ્યામાં હતા જેને પગલે તે પાછા વતન તરફ જવા માટે નિકળી પડ્યા હતા. સમગ્ર દેશમાં મજુરોને લઈને વિવિધ બાબતો ચાલી ત્યારે સરકાર દ્વારા શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી. જે મજુરોને ટ્રેનમાં જગ્યા ન મળી, તે સાયકલ પર, ચાલતા, બસ કે કોઈ અન્ય વાહન જેમાં તેઓ ઘર સુધી પહોંચી શકે તેનો સહારો લેવા લાગ્યા. ઘણાઓના આ દરમિયાન મોત પણ નિપજ્યા. જ્યારે એક માલીક એવા પણ છે જેમણે પોતાના મજુરોને ફ્લાઈટમાં ઘરે મોકલ્યા છે. અત્યાર સુધી તકલીફો પડી પણ ઘરે જતી વખતે તેમને કોઈ તકલીફ ન રહે તેની તકેદારી રાખતા ત્રણ ત્રણ હજાર રૂપિયા વાપરવાના પણ આપ્યા છે.

વાત થઈ રહી છે દિલ્હીના એક મોા ખેડૂત અંગે, જેમણે પોતાના ત્યાં કામ કરતાં દસ મજુરોને માટે પોતાનું દરિયા દીલ બતાવ્યું છે. દિલ્હીના તિગ્ગીપુર ગામમાં ખેડૂત પપ્પનસિંહ ગેહલોટએ લોકડાઉનમાં કામ ન હોવા પર પોતના ખેતરોમાં કામ કરતાં દસ મજુરોની રહેવાની, જમવાની, વગેરે સુવિધાઓ પુરી પાડી હતી. જ્યારે આ ખેત મજૂરોએ ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી તો ખેડૂતે તેમને ફ્લાઈટની ટીકીટ કરાવીને બિહાર તેમના ઘરે મોકલ્યા હતા. જોકે બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેનારા દસ મજુરો દિલહીમાં એક મોટા ખેડૂત પપ્પન સિંહ અને નિરંજન સિંહના ખેતરોમાં મજુરી કરીને મશરૂમની ખેતીનું કામ કરતાં હતા. જોકે કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં જ્યારે કામ બંધ થઈ ગયું, ત્યારે પપ્પન સિંહ અને નિરંજન સિંહએ ન ફક્ત બે મહિના માટે મજુરોની રહેવાની વ્યવસ્થા કરી, પણ તેમના જમવા-પાણીની પણ વ્યવસ્થા કરી.

દરમિયાનમાં મજુરો કામ નહીં હોવા પર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે સાંભળીને દિલ્હીના તિગ્ગીપુર ગામના મોટા ખેડૂતે પણ પોતાનું મોટું દિલ બતાવી દીધું. તેમણે મજુરોને કહ્યું કે, જલ્દી જ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે તો તેમને ફ્લાઈટથી જ પટના મોકલશે. પોતાના વાયદા અનુસાર, હવે આ મજુરોના માલિક પપ્પન સિંહ ગેહલોટએ મજુરોને હવાઈ ટીકીટ સાથે દરેક મજુરને 3000 રૂપિયા ખિસ્સા ખર્ચ આપીને બિહાર મોકલ્યા હતા.

હવે પહેલીવાર હવાઈ યાત્રાથી પટના પહોંચ્યા પછી આ યુવકોના ચહેરા ખીલી ગયા હતા. પટના એરપોર્ટ પર ઉતરતા આ મજુરોને દરેક આંખ જોઈ રહી હતી. તેમણે કહ્યું કે, થોડા દિવસ પોતાના ઘરમાં રહ્યા પછી તે પાછા દિલ્હી તિગ્ગીપુર ગામ જઈને પોતાનું કામ સંભાળશે.