મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા બીજા તબકકાના વધુ 100 ભારતીય માછીમારો મુકત થઇ આજે બપોરએ માદરે વતન વેરાવળ પહોંચી પરીવારજનોને મળતા ખુશીનું વાતાવરણ સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયેલા નજરે પડતા હતા. તો બીજી તરફ પાકિસ્તાન જેલમાં થોડા સમય અગાઉ મોતને ભેટેલા ઉનાના પાલડી ગામના હતભાગી માછીમારનો મૃતદેહ પણ શુક્રવારે હવાઈ માર્ગે અમદાવાદ આવતો હોવાથી તે ના ઘરે પહોંચાડવાની વ્‍યવસ્‍થા ફીશરીઝ વિભાગે કરી છે.

અરબી સમુદ્રમાં માછીમારી કરી દરમ્‍યાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી સમુદ્રી જળસીમા પરથી ભારતીય માછીમારોને બોટ સાથે પકડી પાડી ત્‍યાંની કરાંચી સહિતની જેલોમાં ધકેલી દે છે. ત્‍યારે ભારત સરકારના હસ્‍તક્ષેપ અને વાર્તાલાપ થકી દોઢેક વર્ષના સમયાગાળા પછી બંદીવાન માછીમારોને મુક્ત કરાય છે. તાજેતરમાં જ પાકિસ્તાન સરકારએ 355 જેટલા બંદીવાન ભારતીય માછીમારોને ચાર તબકકામાં મુક્ત કરવા નિર્ણય લીધો હતો. તે પૈકી છ દિવસ પૂર્વે પ્રથમ તબકકાના માછીમારો માદરે વતન પહોંચી ગયા બાદ બે દિવસ પૂર્વે બીજા તબકકાના વધુ 100 માછીમારોને મુકત કરી વાઘા બોર્ડરએ ભારતીય અઘિકારીઓને સોંપવામાં આવ્યા હતા. જ્યાંથી રાજ્ય ફીશરીઝ વિભાગની ટીમએ માછીમારોનો કબજો લઇ આવી રહ્યા હતા. દરમ્‍યાન પ્રથમ તબકકામાં આવ્યા માછીમારોમાં એક બોગસ માછીમાર પકડાયો હોવાનું બહાર આવ્‍યા બાદ આજરોજ વેરાવળ આવી રહેલા માછીમારોને પરીવારજનોને સોંપવાની કાર્યવાહી પૂર્વે નજીકના કીડીવાવ ખાતે એક સંકુલમાં તમામ માછીમારોનું એસઓજી અને આઇબીની ટીમએ કડક ઇન્‍સ્‍ટ્રોગેશન કર્યું હતું. ત્‍યારબાદ તમામ માછીમારોને વેરાવળની ફીશરીઝ કચેરીએ લઇ આવવામાં આવ્યા જ્યાં જરૂરી કાર્યવાહી બાદ વ્‍હેલી સવારથી તડકામાં એક ખુશીની આસ સાથે કાગડોળે રાહ જોતા માછીમારોના સ્વાજનોને મળતા હરખની હેલી સાથે આંસુઓનો દરીયો વહેતો હોય તેવા લાગણી સભર દ્રશ્યો નજરે પડયા હતા.

મુકત થયેલા માછીમાર બચુ લક્ષમણ વાજાએ માદરે વતન પરત આવ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, જેલમાં ખાવાનું કંઇ તંદુરસ્‍ત અને સારુ મળતુ ન હતું અને આખો દિવસ બહું કામ કરાવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્‍ચે તનાવનો માહોલ હતો તે સમયએ ભારતીય માછીમારોને ત્‍યાંના કેદીઓ મારી શકે એવું વાતાવરણ હોવાનો ડર બતાવી અલગ બેરેકમાં રાખી સીલ કરી દીઘા હોય તેવી રીતે અલગ જેલમાં રાખેલ હતા. કોડીનારના કોટડા ગામના ધનસુખ કરશન ચાવડા નામના માછીમારને ચાર માસ પૂર્વે ત્‍યાં જેલમાં પક્ષઘાતનો હુમલો થયો જે અતિદયનિય સ્થિતિમાં આજે માદરે વતન પહોંચ્યા છે. જેને સત્‍વરે સારી સારવાર સરકાર તરફથી મળે તેવી આશા સાથે માંગણી છે.

માછીમારનો મૃતદેહ આજે તેમના પરીવારજનોને સોંપવામાં આવશે.... 

આજે બીજા તબકકામાં મુકત થયેલા માછીમારોમાં બે વર્ષથી પાક.જેલમાં કેદ હતા. જેમાં ગીર સોમનાથના 84, નવસારીના 6, દિવના 5, પશ્ચીમ બંગાળના 4 અને ભાવનગરનો 1 માછીમારનો સમાવેશ થતો હોવાનું જણાવી ફીશરીઝ અઘિકારી ટી.ડી.પુરોહિતએ જણાવ્યું કે, પાકિસ્તાનની જેલમાં ઉનાના પાલડી ગામના માછીમાર ભીમા ભગવાન બાંભણીયાનું બીમારીના કારણે થોડા સમય અગાઉ મૃત્‍યુ થયું હતું. જેની જાણ ગતસપ્‍તાહે ફીશરીઝ વિભાગને થતા રાજ્ય અને ભારત સરકારના સંબંઘિત વિભાગો સાથે રહી મૃતદેહને પરત વતન લાવવા કાર્યવાહી કરી હતી. જેના કારણે આ મૃતક માછીમારનો મૃતદેહ પાકિસ્તાનથી આજે શુક્રવારે હવાઇમાર્ગે અમદાવાદ આવી ગયો છે. જેનો કબજો લેવા ફીશરીઝ અઘિકારીઓની ટીમ રવાના કરાઇ હતી. જે ટીમ માછીમારના મૃતદેહનો કબજો લઇ ઉનાના પાલડી ગામએ તેના પરીવારને શુક્રવારના રોજ સોંપયો છે.