મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ એમ કહેવાય છે કે દાનેશ્વરી કર્ણને અગ્નિદાહ આપવા માટે કુંવારી ભૂમિની શોધ ચાલતી હતી. તે ભૂમિ સુરતમાં તાપી તટે અશ્વનિકુમાર રોડ પર ત્રણ પાનના વડ પાસેની હતી. જ્યાં દાનેશ્વરી કર્ણને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ત્યારથી તેમની રાખ સુરત પર સતત ઊડ્યા જ કરે છે. વાત અંગ દાનની હોય કે અન્ન દાનની, દેહ દાનની હોય કે ચક્ષુ દાનની, રક્ત દાનની હોય કે રોકડ રકમના દાનની સુરત હંમેશા ભારતમાં અગ્ર ક્રમ જ રહ્યું છે. જે પરંપરામાં એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેલા લોકોએ કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 1.11 લાખનું દાન આપ્યું છે. સંભવતઃ આ ઘટના સમગ્ર ભારતમાં પહેલી છે.

કોરોનાના ભરડામાં જ્યારે વિશ્વ આખું સપડાયું છે અને લોકો ચિંતાતુર બન્યા છે તેવા સમયે મદદરૂપ બનવાનો વિચાર સુરતની લાજપોર જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓને આવ્યો. તમામે પરસ્પર ચર્ચા કરી. ચર્ચાના અંતે રૂ. 1,11,111 મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું નક્કી કર્યું. કેદીઓના આ વિચારને જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ વધાવી લીધો. તમામને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડી આ રકમનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો હતો.

આ બાબતે જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ કોઇને કોઇ કામગીરી જેલમાં કરે છે. જેના બદલામાં તેમને મહેનતાણું આપવામાં આવે છે. એ રકમમાંથી જે રકમ બચાવી હોય તે પોતાની મૂડીમાંથી આ દાન કર્યું છે. કેદીઓની આવી ઉદાત્ત ભાવનાને બિરદાવ્યા સિવાય છૂટકો જ નથી. કદાચ આવું ભારતમાં ક્યાંય બન્યું નથી.