મેરાન્યૂઝ નેટવર્ક.આગ્રાઃ રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત ઘણી વાર તમે સાંભળી હતી. હવે જે સમાચાર તમે વાંચશો તે વાંચીને તમારા મોંઢામાંથી આ જ શબ્દો સરી પડશે. નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) સામે પ્રદર્શન દરમિયાન ડ્યૂટી પર તેનાત એક પોલીસ કર્મચારી પર કોઈએ ગોળી ચલાવી દીધી હતી, ગોળી સીથી તેની છાતી પર આવી હતી. ગોળીએ તેમનું બુલેટપ્રૂફ જેકેટ પણ ચીરી નાખ્યું હતું, પરંતુ તે શરીરને અડી પણ શકી નહીં કારણ કે તેમણે ઉપરના પોકેટમાં વોલેટ મુક્યું હતું અને તેમાં કેટલાક સિક્કા હતા, જેના કારણે ગોળી રોકાઈ ગઈ.

નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં ફિરોજાબાદમાં થયેલા હિંસક પ્રદર્શનમાં કોન્સ્ટેબલ વિજેન્દર કુમાર (24) ને બીજી જીંદગી મળી છે. શુક્રવારે ફિરોજાબાદમાં થયેલી હિંસામાં એક બૂલેટ કુરમાના બૂલેટપ્રુફ જેકેટમાં આરપાર જતી રહી અને વોલેટમાં જઈને ફસાઈ ગઈ હતી. વિજેન્દરે પોતાનું વોલેટ ઉપરના પોકેટમાં મુક્યું હતું.

વિજેન્દર કુમાર ફિરોજાબાદના એસપીના એસ્કોર્ટમાં શામેલ હતા. વિરોધ પ્રદર્શનો જ્યારે હિંસક બન્યા ત્યારે ત્યાં ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. વિજેન્દરનું કહેવું છે કે, આ મારુ બીજું જીવન છે. હું ભગવાનનો આભાર માનું છું. આ દરમિયાન સાથી ધર્મેન્દરને પગમાં ગોળી વાગી હતી તે હોસ્પિટલમાં દાખલ છે.