મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : ભૂ-માફીયા જયેશ પટેલ વિરૃદ્ધ પોલીસમાં ફરીયાદ કરનાર નિશા ગોંડલિયા પર જીવલેણ હુમલો થયાનું સામે આવ્યું છે. આજે બપોરે તેઓ કારમાં જામનગરથી ખંભાળીયા તરફ જતાં હતાં. ત્યારે તેમના પર અન્ય વાહનમાં આવેલા શખ્સો પૈકીના એક શખ્સે રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આજે સવારે મોટરમાં ખંભાળીયા તરફ જવા રવાના થયેલા નિશા ગોંડલિયા જ્યારે આરાધના ધામ નજીક પહોંચ્યા ત્યારે તેમના પર ફાયરીંગ કરી આરોપીઓ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવતીને ખંભાળીયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. અને બનાવના સ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો.

મળતી વિગત મુજબ નિશા ગોંડલિયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પખવાડીયા પૂર્વે નિશાએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની જાન પર ખતરો હોવાનું જણાવ્યું હતું. તદ્દ ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમ ને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.