મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ દીકરી માટે બાપ સુપર હીરો જ હોય, છતાં જ્યારે એ સુપરહીરો સાથે એવો કોઈ વ્યવહાર થાય કે જેમાં સુપરહીરો લાચાર નજરે પડે ત્યારે દીકરી કે દિકરાનું મન તે સ્વિકારી શક્તું નથી. તેઓ પોતાની તમામ તાકાત વાપરીને પણ પોતાના સુપરહીરોને ફરી જીતતો જોવા માગતા હોય છે. જોકે તેઓ મોટાભાગે સફળ પણ થતા નથી. આવી જ એક લાચારી ભરી ઘટના બુલંદશહેરના ખુર્જા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસના પ્રતિબંધ છતાં ફટાકડા વેચતા એક વેપારીની દુકાન પર પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસ ફટાકડાના વેપારી સાથે હાથ ચાલાકી કરે છે અને પિતા કાંઈ કરી શક્તા નથી. પોલીસ તેને ખેંચીને પોલીસ જીપમાં બેસાડી દે છે. અન્ય લોકોને પણ મારે છે આ બધું તેની દીકરીની નજર સામે થાય છે. જોકે બાદમાં મોડેથી પોલીસને ધ્યાન પર આવે છે કે આ દીકરીના માનસ પર પોલીસની ખોટી છાપ ઊભી થાય તે યોગ્ય નથી જેને કારણે પોલીસ બાદમાં રાત્રે મીઠાઈઓ લઈ તે પરિવાર પાસે પહોંચી જાય છે અને ધનતેરસ મનાવે છે.

આ ઘટનાનો વીડિયો જોઈ લોકોમાં ગુસ્સો ભરાઈ રહ્યો છે. લોકો વીડિયો શેર કરતાં સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોઈ આ ઘટનાને પોલીસ અને જનતા, સરકાર અને જનતા વચ્ચેના ખટરાગ, તો કોઈ આ ઘટનાને ધર્મ સાથે જોડીને પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યું છે. જોકે દીકરીની વ્યથા અંગે પણ લોકોએ પોલીસની મર્દાનગી પર નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર પર આરોપ લાગી રહ્યા છે કે ફટાકડાના માટે લાયસન્સ ઈશ્યૂ કરાય છે તે પછી પણ વિક્રેતા પોતાની બધી મૂડી લગાવી દઈને ફટાકડા ખરીદી લેતા હોય છે. જ્યારે વેચાણ પર પ્રતિબંધ સતત આપવામાં આવે છે.

આ ઘટના ખુર્જા પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ મુંડાખેડા ચાર રસ્તાની છે. અહીં પોલીસ ફટાકડાના વેચારણની બાતમી મળતાં એક્શન મોડમાં આવી જાય છે. જે પછી કાર્યવાહી કરવા ગયેલી ટીમ સાથે દુકાનદારોની બોલાચાલી થઈ જાય છે. એક દુકાનદારને પોલીસ અટકાયતમાં લઈ લે છે.

આ જોઈને દુકાનદારની દીકરી પોલીસ વાન પર માથુ પટકવા લાગે છે, જોકે પોલીસને તેનું રુદન કે આંસુ જરા પણ હલાવી શક્તા નથી. પોલીસ તેનું એક નથી સાંભળતી અને તેના પિતાને પકડીને લઈ જાય છે. આ ઘટનાનો વાયરલ થયેલો વીડિયો અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યો છે. આ પછી મોડી રાત્રી બાદ બુલંદશહેર પોલીસે ફટાકડાના વેપારીના પરિવાર અને બાળકી સાથે મીઠાઈઓ વહેંચી ધનતેરસ પણ મનાવી હતી.

વિભાગીય દંડાધિકારીઓ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે બાળકીના મનમાં પોલીસ પ્રત્યે આક્રોશની ભાવના પેદા થાય. તેથી અમે તેની સાથે દિવાળી મનાવી હતી. અમે આ સંદેશ પણ આપવા માગીએ છીએ કે દિવાળી ફક્ત ફટાકડા ફોડવાથી નથી હોતી પણ પરિવાર સાથે મળીને પણ મનાવી શકાય છે.