સુરત: સુરતના પુણા-સરોલી રોડ પર આવેલ 14 માળની ઇમારત રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવાર વહેલી એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જાતોમાં સમગ્ર ઇમારત આગના લપેટામાં આવી ગઇ હતી. જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આજે રાત્રે પણ પ્રયત્નો જારી છે. આગ બુઝાવવાની કામગીરીમાં NDRFની ટીમની મદદ લેવામાં આવી છે. આગને કારણે ઇમારતનો ચૌદમો માળ બળીને રાખ થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 22 વિધ્યાર્થીઓના મોત થયા હતાં. આમ આ સુરત શહેર છે કે લાક્ષાગૃહ તેવા સવાલે ઉભા થયા છે. નોધનીય છે કે મહાભારત કાળમાં પાંડવોને મારી નાખવા માટે કૌરવોએ એક લાક્ષાગૃહ બનાવ્યું હતું અને તેમાં આગ લગાવી દેવામાં આવી હતી. જો કે સદનસિબે પાંડવો બચી ગયા હતાં. પરંતુ હવે એકવીસમી સદીમાં પણ બેદરકારીને કારણે ઇમારતો જાણે આધુનિક લાક્ષાગૃહ બન્યા હોય તેવા ઘાટ સર્જાયો છે.

રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે અત્યાર સુઘીમાં ચાર કરોડ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગને કાબુમાં લેવા દરમિયાન એલિવેશન માથા પર પડતા ફાયર બ્રિગેડનો એક જવાન ઘાયલ થયો છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગે઼ડની 76 જેટલી ગાડીઓ, ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી રહી છે.

આગની ઘટના અંગે સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 13 દિવસ પહેલા પણ આ ઇમારતમાં આગ લાગી હતી અને ઇલેક્ટ્રીક વાયરીંગ બાબતે નોટિસ આપવામાં આવી હતી.  આગની ઘટનાને કારણે ઇમારત પાસેથી પસાર થતા રસ્તા ટ્રાફિકને પુણા કેનાલ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.