મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સંયમનો માર્ગ સિખવતા ઇડરના પાવાપુરી જૈન મંદિરના સાધુઓએ અનુયાયી મહિલાઓ ઉપર જ મંદિર પરિસરમાં કામલીલા આચરતાં હોવાની ફરિયાદ થતા જૈન સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. આ બંને જૈન સાધુ સામે અનુયાયી મહિલાઓને તંત્ર મંત્રના નામે ડરાવી ધમકાવી દુષ્કૃત્ય આચર્યા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદ બાદ પોલીસે બંને સાધુઓને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી વિવિધ આક્ષેપો અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પરિસરના મુખ્ય દરવાજાને તાળા મારી સાધુઓને કોઇને મળવા પર પણ પાબંધિ લગાવી દેવાઇ હતી. ઇડર પોલીસે ફરિયાદ નોંધાયાના ચાર દિવસ વિત્યા છતાં ધરપકડ ન થતાં શુક્રવારે જૈન સમાજની ૧૦૦થી વધુ મહિલાઓ પ્રતિનિધિ મંડળ સાથે બન્ને લંપટ સાધુઓને સાંસારિક કપડાં પહેરાવીને જેલમાં નાખી દો તેવી માંગ સાથે નાયબ કલેક્ટર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. 

ત્યારે ૫ દિવસ પછી  શનિવારે ઇડર પોલીસે બંન્ને સાધુઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ ઈડર જૈન સમાજના ટોળાં ઈડર પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને બંન્ને સાધુઓને સંસારી વસ્ત્રો ધારણ કરાવા માંગ કરી હતી.  ઇડરમાં જૈનમુની દુષ્કર્મ મામલે પોલીસે ચાર દિવસ બાદ બંને જૈનમુનીની ધરપકડ કરી છે. પોલીસે કલ્યાણ સાગર તથા રાજતિલક સાગર (રાજા મહારાજ)ની ધરપકડ કર્યા બાદ બન્ને મુનીની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બંને સાધુઓના કોરોના ટેસ્ટ કરાવવા હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  

પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને સાધુઓ છેલ્લા એકાદ વર્ષથી વ્યભિચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીને ખરાબ નજરે જોઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી. તેમજ આ બન્ને સાધુ જૈન ધર્મના ઓથા તળે આનુયાયી મહિલાઓને ધમકાવી દુષ્કૃત્યો આચરતા હતા. જેને પગલે ટ્રસ્ટી મંડળે બન્ને સાધુ સામે ફરિયાદ નોધાવી હતી. આ સાથે પીડિત મહિલાનું નિવેદન નોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પીડીત મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ તેને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આ પ્રકારના નિવેદનથી ખુદ ઈડર પોલીસ પણ મુંઝાઈ છે અને હવે કઈ કાર્યવાહી કરવી તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગનો દોર શરૂ કર્યો હતો. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા બંને સાધુઓની કરતૂત બહાર આવતા જૈન સમાજમાં ઉગ્ર રોષ સાથે પોલીસતંત્રની બંને સાધુઓને છાવરવામાં આવતાં હોવાની સાથે પોલીસ ધરપકડ ટાળવા સમય પસાર કરી રહી હોવાનો જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો.

જૈન અગ્રણીનો આરોપ હતો કે વાયરલ થયેલો વીડિયો મોટો પુરાવો હોવા છતાં પણ ચાર દિવસથી પોલીસતંત્ર યેનકેન પ્રકારે બન્ને સાધુઓને પરિસરમાં નજરકેદ રાખી ધરપકડ ટાળવામાં આવી રહી છે. પોલીસની નીતિ-રીતિથી અકળાયેલા સ્થાનિક જૈન સમાજની મહિલાઓના એક પ્રતિનિધિ મંડળ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને તેઓએ નાયબ કલેકટર અને પીઆઈને રજૂઆત કરી બંને લંપટ સાધુઓને કડકમાં કડક સજા કરવાની વાત મૂકી હતી. વધુમાં જણાવ્યું હતું કે, બંને લંપટ સાધુઓને બચાવવા માટે સમગ્ર પ્રકરણ બહાર લાવનાર અને ફરિયાદ નોંધાવનાર ડૉ. આશિત દોશીને ફસાવવાનો કારસો રચાઈ હોવાનો જૈન સમાજે આક્ષેપ કર્યો છે. અને સમાજ આશિત દોશીની લડાઈમાં પડખે હોવાનું પણ જણાવ્યુ હતું.

પોલીસ સાધુઓના વકીલની જેમ વર્તી રહી છે: જૈન સમાજ

ફરિયાદના ચાર-ચાર દિવસ પછી પણ સાધુઓની ધરપકડને મામલે પોલીસે પીછેહઠ કરતાં જૈન સમાજ રોષે ભરાયો છે. જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાધુના વકીલની જેમ વર્તી, પુરાવો નજર સામે હોવા છતાં પુરાવાને નામે સમય પસાર કરી રહી છે. સામાન્ય માણસ સામે ડંડા પછાડતી પોલીસ આ અતિગંભીર બાબત છતાં કેમ ઘુંટણીયે પડી ગઈ છે તે સમજવું મુશ્કેલ છે. જેથી આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારી કે કોઈ અન્ય એજન્સી મારફતે થાય તેવી પણ જૈન સમાજે માંગ કરી છે.

સુરતની અનુયાયી મહિલા સામે કાર્યવાહી કરવા માંગ

જૈન સમાજે પવિત્ર જગ્યામાં અપવિત્ર હરકત કરતા બંને સાધુ સહિત મહિલા સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. સમાજના મતે આ સાધુ જૈન ધર્મમાં આસ્થા રાખતા નાગરિકો સહિત મંદિરમાં જતી મહિલાઓ માટે જોખમી છે. જૈન ધર્મની આસ્થાને ઈજા પહોંચાડનાર આ તમામ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી.