પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજકોટની ઉદય શિવાનંદ હોસ્ટિપટલમાં લાગેલી આગના મામલે જવાબદાર ડૉકટર્સ સામે ગુનો નોંધ્યા પછી હવે રાજકોટ પોલીસે ગુજરાતના અગ્રણી અખબારો પૈકીના એક દિવ્ય ભાસ્કરના પત્રકાર અને ફોટોગ્રાફર સામે ગુનો નોંધ્યો છે. એક તરફ પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ ખુદ અમિત શાહ સહીત ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ તેને ચોથી જાગીર ઉપર હુમલો કહ્યો હતો, બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર અને મતવિસ્તારમાં પત્રકાર અને ફોટોગ્રાફર સામે ગુનો નોંધાય ત્યારે ચોથી જાગીર ઉપર હુમલાની કોઈ વાત કરતું નથી. આ મામલે દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડીટર દેવેન્દ્ર ભટ્ટનાગરે ટવીટ કરી કહ્યું કે, એફઆરઆઈ નહીં પત્રકારોના એન્કાઉટર કરો.
રાજકોટના હોસ્પિટલમાં લાગેલી આગ બાદ આ મામલે રાજકોટ પોલીસે પકડેલા આરોપીઓને લોકઅપમાં રાખવાના બદલે પોલીસ સ્ટેશનના એક રૂમમાં રાખ્યા હતા. આ અંગે ભાસ્કરના પત્રકાર અને ફોટોગ્રાફર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પકડાયેલા ડૉકટર આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે પોલીસ સ્ટેશમાં જ સુવીધા આપતા હોવાની સ્ટોરી કરી અને ફોટોગ્રાફ પાડયા હતા. જે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા હતા. આ મામલે રાજકોટ પોલીસે દિવ્ય ભાસ્કરના ત્રણ રિપોર્ટર અને એક ફોટોગ્રાફર સામે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે પ્રવેશ કરવો, સરકારી કામમાં દખલ કરવી અને કાવત્રૂ રચવાનો ગુનો નોંધ્યો છે.
 
 
 
 
 
રાજકોટ મત વિસ્તાર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો છે, તેમના જ શહેરમાં કોઈ એક કોવીડ હોસ્પિટલમાં આગ લાગે અને કોરોનાથી બચવા આવેલા લોકો આગમાં ભૂંજાઈ જાય, આ એક અકસ્માત હતો, જેમાં રાજ્ય સરકાર અને વિજય રૂપાણી જવાબદાર છે તેવું નથી, કારણ રાજ્યમાં થતાં તમામ અકસ્માત માટે તમે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવો તે યોગ્ય નથી. જો કે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલી સ્ટોરીમાં કયાંય વિજય રૂપાણીનો ઉલ્લેખ ન્હોતો. છતાં વિજય રૂપાણીને માઠું લાગ્યું કારણ તેમના શહેર અને મત વિસ્તારની વાત હતી.
અહિંયા પ્રશ્ન એવો છે કે સત્યતાની તપાસ કરતા પત્રકારોને કેટલાંક જોખમો લેવા પડે અને નિયમો પણ તોડવા પડે છે, પણ સત્ય જાણવાના તેના પ્રયાસમાં પત્રકારોનો ઈરાદો શું હતો, સત્યને ઉજાગર કરવાનો કે મલીન ઈરાદો હતો, પણ રાજકોટના કિસ્સામા્ં કોઈ મલીન ઈરાદો ન્હોતો તેવું સ્ટોરી જોતા સ્પષ્ટ થાય છે. આમ છત્તાં તેમની સામે ગુનો નોંધાય છે. એક તરફ આપણે ચોથી જાગીરની દુહાઈ આપતા હોઈએ ત્યારે આપણે પસંદ નથી તેવા કોઈ સમાચાર પ્રસિધ્ધ થાય ત્યારે પત્રકાર બદમાશ છે તેવું કહીએ તે વાજબી નથી.
આ કેસમાં જેમને આરોપી બનાવવામાં આવ્યા છે તે પત્રકાર અને ફોટોગ્રાફર સામાન્ય માણસ છે, તેમને પોતાના સિનિયર પાસેથી મળેલી સુચના અને આદેશનું તેમણે પાલન કર્યું છે. કદાચ વિજય રૂપાણી અને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમને વ્યકિતગત રીતે ઓળખતા પણ નહીં હોય, પણ અહિંયા ઝઘડો જુદો છે, સામાન્ય રીતે સરકારની સાથે રહેતુ દિવ્ય ભાસ્કર અખબાર કોરોનાના મુદ્દે આકરૂ વલણ લઈ રહ્યું છે જે તેનો અધિકાર અને ધર્મ પણ છે, પણ વિજય રૂપાણીને તેનું માઠું લાગવું પણ સ્વભાવીક છે.
કોઈ એક અખબાર પોતાનો એક મત નક્કી કરે તેમાં પત્રકાર કરતા માલિકની ભૂમિકા અગત્યની હોય છે. દિવ્ય ભા્સ્કર જે પ્રકારે સ્ટેન્ડ લઈ રહ્યું હતું તેનું સાચુ કારણ તો વિજય રૂપાણી અને ભાસ્કરના માલિક સુધીર અગ્રવાલને ખબર હશે પણ તેનું નિશાન કોઈ પત્રકારને બનાવવા તે ક્યાં સુધી યોગ્ય છે. જો વિજય રૂપાણીને ગુસ્સો આવ્યો હોય તો ભાસ્કરના માલિક સુધીર અગ્રવાલ સામે ગુનો નોંધે પણ તેવું ક્યારેય થતું નથી. આ મામલે ભાસ્કરના પત્રકાર સામે બે ગુનાઓ નોંધાયા છે, જોકે ગુનો નોંધતા પહેલા રાજકોટના પોલીસ કમિશનર વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મંજુરી લીધી હોય ના હોય તે વાતમાં માલ નથી. આ ફરિયાદ રાજકિય ઈશારે જ થઈ છે પછી ભલે માંડવાળ થાય પણ દરેક વખતે પત્રકારો સામેની લડાઈમાં અમે જાણતા નથી તેવું કહી નેતાઓ આબાદ છટકી જાય છે, પણ આપણે સરકારમાં હોઈએ ત્યારે પણ આપણને નહીં ગમતા પત્રકારોની ચોથી જાગીરની પણ આપણે ચિંતા કરવી જોઈએ તેવું સમજાય તો સારૂ છે. આમ થતાં દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડીટર દેવેન્દ્ર ભટ્ટનાગરે પોતાની નારાગજગી વ્યકત કરતા કહ્યું એફઆરઆઈ નહીં પત્રકારોના એન્કાઉન્ટરો કરો...