મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર, નિર્માતા, ડાયલોગ લખનાર સહિત 7 લોકો સામે અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફિલ્મ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ નેશનલ એવોર્ડ પણ મેળવી ચુકી છે. ફિલ્મમાં અનુસૂચિત જાતિ વિષયક શબ્દનો પ્રયોગ કરવા બદલ અને સમાજનું નીચું દેખાડવા બદલ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાએ રવિવારે રાત્રે હેલ્લારો ફિલ્મ જોયા પછી ફિલ્મમાં ઢોલીને ગામમાં આશરો લેવા દરમિયાન બનેલા બનાવ પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મમાં ગામના મુખી તેના માણસને ઘી આપી રવાના કરવા કહે છે પણ ઢોલી ઘી નહીં આશરો લેવા આવ્યો હોવાું કહે છે જેથી ઢોલીનું નામ પુછે છે અને મુખી એમ પુછે છે કે મૂળજી એટલે કેવા તેથી ઢોલી પોતાની એક ચોક્કસ જાતિનો ઉલ્લેખ કરે છે. જમના બહેનનું કહેવું છે કે, ફિલ્મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ શબ્દનો પ્રયોગ કરાયો છે જે જાતિનું અપમાન છે અને એક જાતિથી બીજી જાતિને નીચી બતાવવામાં આવી છે. જેથી ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ સી પટેલ, નીરવ સી પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સહિતના લોકો સામે ફરિયાદ નોંધવતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.