મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: હાર્દિક પટેલે ચૂંટણીના પરિણામ જાહેર થતાંની સાથે જ પોતાનું આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરતા ભાજપ સરકારે પણ તેના આંદોલનને રોકવા માટે કાયદાકીય જોગવાઈઓ તપાસી હાર્દિકને ફરી જેલમાં મોકલી આપવાનો તખ્તો ઘડ્યો હતો. જેના ભાગરૂપે ચૂંટણી પ્રચારમાં પોલીસની મંજુરી વગર કરેલા રોડ શો અને રેલીઓ અંગે પહેલી ફરિયાદ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

અગાઉ હાર્દિક સામે નોંધાયેલી ફરિયાદોમાં તેને જામીન મળી ગયા છે, તેના કારણે હાલમાં તત્કાલ તો સરકાર તેની પ્રવૃત્તીઓ ઉપર રોક લગાવી શકે તેમ નથી. તેના કારણે હાર્દિક સામેના જુના કેસ જલદી ચાલી જાય અને નવા કેસમાં તેને ફરી જેલમાં મોકલી આપવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે દસક્રોઈની સર્કલ ઓફિસરે હાર્દિક પટેલ સહિત તેના 50 સાથીઓ સામે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તા 11મી ડીસેમ્બરના રોજ બોપલથી લઈ નિકોલ સુધી હાર્દિક દ્વારા પોલીસની મંજુરી વગર રોજ શો કર્યો હતો. રેલી માટે સુરેશ પટેલ અને રાજુ પટેલ દ્વારા પોલીસ મંજુરીની અરજી કરવામાં આવી હતી, પણ પોલીસે તે અરજી નકારી કાઢી હતી. આમ છતાં રોડ શો થયો હતો અને નિકોલમાં સભા થઈ હતી. સર્કલ ઓફિસર દ્વારા આ રેલી માટે અરજી કરનારને પણ હાર્દિકને સાથે આરોપી દર્શાવ્યા છે. આ પ્રકારે રાજ્યના જે  જે વિસ્તારમાં હાર્દિકે રોડ શો અને સભાઓ કરી ત્યાં અલગ અલગ ફરિયાદ નોંધી હાર્દિકને જેલમાં મોકલી આપવામાં આવશે જેથી તે આંદોલન કરી શકે નહીં.