રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): એક વખત એક ફરિયાદી આવ્યો; તેણે કહ્યું : “મારી મમ્મી 10 વરસ પહેલાં ગુજરી ગયા હતા તેને ફરી જીવતા કરનારની સામે મારે FIR કરવી છે !”

મેં કહ્યું : “આમાં FIR કરવાને બદલે આવો ચમત્કાર કરનારનું સન્માન કરવું જોઈએ !”

મૃત્યુ પામેલ વ્યક્તિ ફરી જીવતી થઈ શકે છે. ભટકતો આત્મા ફરી પાછો ખોળિયામાં ગોઠવાઈ જાય છે ! તમે માનશો નહીં; પણ મરેલો માણસ ફરી જીવતો થઈને અદભૂત કામો કરવા લાગે છે, તે સત્ય છે ! પોલીસ  સર્વિસ દરમિયાન આવા અનેક કિસ્સાઓનો પરિચય થયો હતો. મરેલા માણસને જીવતો કરવાનું કામ ખાસ કુશળતા માંગી લે છે. એ રીતે હાલે જીવતા માણસનું મૃત્યુ વર્ષો પહેલા થઈ શકે છે ! આવા ચમત્કાર કોઈ સંત, સ્વામિ, પ્રગટબ્રહ્મસ્વરુપ કરી શકતા નથી; પરંતુ ક્રિમિનલ લોકો જ કરી શકે છે !

ફરિયાદીએ કહ્યું : “મારી મમ્મીને 10 વરસ પછી કાગળ ઉપર જીવતી કરી તેમની પાસેથી ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો છે !”

મહેસાણા અને વિસનગર તાલુકામાં 2012થી 2016 વચ્ચે; મૃત્યુ પામેલા 6 વ્યક્તિઓ ચાર-પાંચ વરસે જીવતી થઈ અને મનરેગામાં શ્રમ કર્યો અને પેમેન્ટ પણ લીધું ! ઈશ્વર, ખુદા, ગોડ, ગુરુ નાનક પણ મરેલી વ્યક્તિને જીવતી કરી શકે નહીં; પરંતુ ઠગ, ભ્રષ્ટાચારી, ગુંડાઓ મરેલી વ્યક્તિને જીવતી કરી શકે છે ! ભારતને વિશ્વગુરુ થતાં કોઈ રોકી શકે તેમ નથી.