મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ઈડરિયા ગઢે એક વાર ફરી બોલીવુડનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. બોલીવુડ સુપર સ્ટાર રણવીરસિહની ફિલ્મનું છેલ્લા ત્રણ દિવસથી ઈડરના ગઢ અને ઇડરનાં બજારોમાં શુટિંગ થઇ રહ્યું છે. બે દિવસ ઈડરના ગઢમાં શુટિંગ કર્યા બાદ આજે ઈડરના ટાવર વિસ્તારમાં સવારના સમયે ફીલ્મનું શુટિંગ કરાયું હતું. તો શુટિંગ માટે ઈડરના લોકોએ સ્વયંભુ બજાર બંધ રાખ્યું હતું.

રણવીરસિંહની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળેટોળા બજારમાં એકઠા થયા હતા. ત્યારે શુટિંગ બાદ ઇડરની ગલીઓ જોવા માટે રણવીરસિંહ એકટીવા પર બેસી બજારમાં નીકળ્યો હતો. બોલીવુડ સુપર સ્ટાર રણવીરસિહે ઇડરની બજારમાં ફિલ્મનું શૂટિંગ કર્યું  હતું

રણવીરસિહ એક્ટીવા પર બેસી ઇડરની ગલીઓમા ફર્યો હતો. જણાવી દઇએ કે છેલ્લા ત્રણ દિવસથી હિન્દી ફિલ્મના શુટીગ માટે રણવીરસિંહ ઇડરમાં છે. નોધનીય છે કે પંદરેક વર્ષ પહેલા અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ ‘કભી-કભી’નુ શુટિંગ ઇડર ગઢમાં કરેલું. ત્યારે પંદર વર્ષ બાદ ફરી બોલીવુડની ફિલ્મનું શુટિંગ થતા ઇડરવાસીઓ પણ ખુશ થઇ ગયા હતા.

રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કર્યુ છે જેમાં તે દંગ હોય તેવા હાવભાવ સાથે જોવા મળી રહ્યો છે. સાથે જ તેની પાછળ અનેક મહિલાઓ ઉભેલી જોઇ શકાય છે. આ પોસ્ટરને શેર કરતાં રણવીરે કેપ્શનમાં લખ્યું છે- જયેશભાઇ છે એકદમ જોરદાર…

રણવીર સિંહ પોતાની દરેક ફિલ્મમાં માચો મેનની ભૂમિકામાં નજરે આવે છે. પરંતુ આ ફિલ્મ માટે તેણે એકદમ સિમ્પલ ગુજ્જુ ભાઇનો લુક અપનાવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ફિલ્મનું લેખન દિવ્યાંગ ઠક્કરે કર્યુ છે, જે આ ફિલ્મથી ડાયરેક્શન ડેબ્યૂ કરી રહ્યાં છે.

રણવીર સિંહે પોતાના કેરેક્ટર વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જેમ કે ચાર્લી ચેપલીને એકવાર કહ્યું હતું કે, હકીકતમાં હસવા માટે, તમારામાં દુખ સહન કરવાની ક્ષમતા હોવી જોઇએ અને તેની સાથે રમવુ જોઇએ. જયેશભાઇ એક સાધારણ વ્યક્તિ છે, જે અસાધારણ સ્થિતિમાં કંઇક અસાધારણ કરતાં સમાપ્ત થાય છે. જયેશભાઇ સંવેદનશીલ અને દયાળુ છે. તે પિતૃસત્તાત્મક સમાજમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ ધરાવે છે.