કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકડાઉન પૂર્ણ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ દેશમાં કેસ વધી રહ્યા છે. હવે સરકારમાં નિર્ણય લેનારાઓની અસંમજંસ એ છે કે લોકડાઉન પૂર્ણ કરવું કે યથાવત્ રાખવું. કેન્દ્ર-રાજ્ય સરકારના કોરોનાને કન્ટ્રોલ કરવાના પ્રયાસ સરાહનીય છે, તેમ છતાં કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે અને વધી રહેલાં કેસની પેટર્ન જોતાં ભીતિ એ છે કે આપણે ઇટાલી અને અમેરિકા જેવી સ્થિતિનો સામનો કરવાનો તો નહીં આવે ને. આ સ્થિતિ ન આવે તે માટે વહિવટી તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે, પણ તેનું પરીણામ હાલમાં સંતોષજનક દેખાઈ રહ્યું નથી.

કોરોનાના ભવિષ્યના જોખમ સામે કેવી રીતે લડવું તે માટે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગજબનાક રણનીતિ ગોઠવવામાં આવી હતી અને તેના પરીણામ જોતાં કેન્દ્ર સરકારે પણ તેમના પાસેથી સૂચનો મંગાવ્યા છે. રાજસ્થાનનું ભીલવાડા જિલ્લો કોરોનાનું એપીસેન્ટર બની ચૂક્યું હતું, અત્યારે ગુજરાતમાં અમદાવાદની સ્થિતિ છે તેવી જ સ્થિતિ ભીલવાડાની હતી. એક પછી એક બે અઠવાડિયામાં અહીંયા જ 27 પોઝિટિવ કેસ આવ્યા હતા. 30 માર્ચે અહીયાં પોઝિટિવ કેસની સંખ્યા 27 હતી પણ આજે એક અઠવાડિયા પછી તે સંખ્યામાં એક જ કોરોના પોઝિટિવનો ઉમેરો થયો છે.

આવું શક્ય બન્યું કડકાઈથી લાગુ કરેલાં લોકડાઉનથી. આ સિવાય અહીંયા પ્રામાણિકપણે સર્વે થયા, પોલીસ કોમ્બિંગ થયું, સ્ક્રીનિંગ અને શંકાસ્પદ લાગ્યા તેમનું ટેસ્ટિંગ થયું. આ ચાર મુદ્દાને ભીલવાડાનું વહિવટીતંત્ર વળગી રહ્યું. કરફ્યુ જડબેસલાક રાખ્યો અને પ્રથમ કેસ આવ્યો ત્યારથી ઘરે ઘરે સર્વે થયા. આ સર્વેમાં શંકાસ્પદ જણાયા તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા. આ સંખ્યા 6,445 હતી. ભીલવાડાની ત્રીસ લાખ વસતીનો સર્વે કરવામાં આવ્યો અને જેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા તેઓનું એપ દ્વારા ચોવીસ કલાક મોનિટરીંગ થયું. આ માટે ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ વિદ્યાર્થીઓની 850 ટીમએ રાત-દિવસ કામ કર્યું.

ભીલવાડાના જિલ્લાના કલેક્ટરને જ્યારે લાગ્યું કે સ્થિતિ વણસી રહી છે ત્યારે તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે તુરંત વાત કરીને જિલ્લાની બોર્ડર સીલ કરી દીધી હતી અને જિલ્લામાં લોકડાઉન માટે પોલીસબળ, હોમગાર્ડ્સ ઠેરઠેર તૈનાત કરી અને સૈન્યને પણ સ્ટેન્ડબાય રાખ્યું. એપ્રિલ 3થી અહીંયા ‘મહાબંધી’ લાગુ કરવામાં આવી જેમાં પત્રકારો અને સેવાભાવી સંસ્થાઓના પણ પાસ રદ કરી દેવામાં આવ્યા. સૌને જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગરીબ-મજૂર વર્ગને બે ટંકનું ભોજન મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું.

પૂરા વહિવટીતંત્રે કરેલાં કાબિલેદાદ કામથી જે ભીલવાડા કોરોનાનું એપીસેન્ટર બની ચૂક્યું હતું, તે છેલ્લા અઠવાડિયાથી હાશ અનુભવી રહ્યું છે.