મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરનાં મવડી વિસ્તારમાંથી નેચરોપેથીનાં નામે ચાલતો ગર્ભ પરીક્ષણનો કારોબાર ઝડપાયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં સોનોગ્રાફીનાં રૂ. 12000 અને ગર્ભપાત કરવાનાં રૂ. 20000 લેવાતા હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ તો પોલીસે સોનોગ્રાફી મશીન સહિતનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરનાં મવડી મેઇન રોડ પર આવેલા આ ક્લિનિકમાં પ્રથમ ડમી દંપતિને મોકલાયા હતા. બાદમાં ડમી દંપતિ સાથે રહેલી પોલીસ દોડી ગઈ હતી. અને આ કાળો કારોબાર ચલાવતા અમિત થિયાદ, દિનેશ વણોલ અને અવેશ મંસુરીને રંગેહાથ દબોચી લીધા હતા. સાથે EDAN કંપનીનું સોનોગ્રાફી મશીન, તેમાં ઉપયોગમાં લેવાતી જેલની 2 બોટલ, 3 મોબાઈલ સહિતનો સામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.