મેરાન્યૂઝ નેટવર્ક.પ.બંગાળઃ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવતું ચક્રવાત ફેનીના ભયને ધ્યાનમાં લેતા હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ તોફાનને લઈને આગામી કેટલાક દિવસો દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે શનિવારે કહ્યું કે હિંદ મહાસાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બનેલા ભારે દબાણની ઝડપને પગલે ચક્રવાતી તોફાનમાં તે બદલાઈ જશે અને 30 એપ્રિલ સુધી ઉત્તરના તમિલનાડુ અને દક્ષિણના આંધ્ર પ્રદેશના તટના વિસ્તારો સાથે અથડાશે.

હવામાન વિભાગનું માનીએ તો બાંગ્લાદેશની સલાહનાં આધારે તોફાનનું નામ ફેની રાખવામા આવ્યું છે. હવામાન વિભાગ મુજબ તમિલનાડુ અને પુડુચેરી, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરળનાં તટીય વિસ્તારમાં 30થી 50 કિલોમટીર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, બે દિવસમાં ભૂમધ્ય હિંદ મહાસાગર અને તેનાથી નજીક આવેલા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું જોર વધીને 145 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. ત્યારે આ વિસ્તારમાં દરિયામાં ઉંચા મોજા ઉછળતા પણ નજરે પડી રહ્યાં છે.