મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : દેશભરમાં કોરોના વેક્સીન પહોંચાડવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ શહેરની દીકરી કેપ્ટન નિધિ અઢીયાએ પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડી રાજકોટ સહિત ગુજરાત રાજ્યનાં ગૌરવમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે નિધી પેસેન્જર પ્લેન ચલાવે છે. પરંતુ આજે તેને આ ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં તે દિલ્હીથી કાર્ગો પ્લેન લઇને પુના ગઇ હતી. અને બાદમાં પુનાથી વેક્સિનનો જથ્થો લઇ સફળતા પૂર્વક હૈદરાબાદ સુધી પહોંચાડ્યો હતો.

કેપ્ટન નિધિના પિતા બિપિન અઢિયાએ જણાવ્યું હતું કે, દેશભરનાં લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો લાવવાનું કામ મારી દીકરીનાં હાથે થયાનો મને ખૂબ ગર્વ છે. મારા પિતા એટલે કે નિધિનાં દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. આ તેમના આશીર્વાદનું ફળ છે. તેમજ નિધિએ નિભાવેલી આ જવાબદારીથી મારી છાતી ગદગદ ફૂલી ગઈ છે.

નિધિનાં માતાએ હર્ષાશ્રુ સાથે કહ્યું હતું કે, મારી દીકરી સાથે દરરોજ વાત થાય છે. આજે પણ તેનો ફોન હતો અને તેણે લોકસેવાનું આ કામ સફળતાપૂર્વક પાર પાડ્યું હોવાનું જાણીને મને ખુબ આનંદ થયો છે. ભગવાનની કૃપાથી જ પેસેન્જર વિમાન ઉડાવતી મારી પુત્રીને આ કામ મળ્યું હતું. અને તેમાં તેણી સફળ પણ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, નિધિના પિતા બિપિનભાઈ અઢિયા મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ તેમના ધર્મપત્ની માલતીબેન અઢીયા કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. બે સંતાનોમાં પુત્રી નિધિ અને પુત્ર મિથિલેશ છે. નિધિએ બરોડા ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ મેળવી હતી. અને બાદમાં અમદાવાદમાં એવિએશન એન્ડ એરોનેટ્સ લિ. ફ્લાઈંગ ક્લબમાં પાયલોટ તરીકેની ટ્રેનિંગની શરૂઆત કરી હતી.