મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મુળ રૂપાલ ગામના વતની અને પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખાવતા ઠગ ઘનજી ઓડના દાવા પ્રમાણે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ ચમત્કાર દ્વારા મટાડી દેવાનો દાવો કરવામાં આવતો હતો. જેની ઉપર ભરોસો કરી સુરતમાં રહેતા ભીખાઈભાઈ માળીયાએ પોતાના કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરાવી માત્ર ઢબુડીમાતા ઉપર ભરોસો કરવાની ભુલ કરી જેના કારણે દવાના અભાવે તેમણે પોતાનો પુત્ર ગુમાવવો પડયો હતો. હવે જ્યારે ઢબુડીમાતાના કૌભાંડ બહાર આવતા તેમણે બોટાદ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે.

મુળ ગઢડાના વતની અને સુરતમાં સ્થાઈ થયેલા ભીખાભાઈ માળીયાના 22 વર્ષના પુત્રને કેન્સરની બીમારી લાગુ પડતા તે પથારીવશ થઈ ગયો હતો. પુત્રની આ હાલત તેઓ જોઈ શક્તા ન હતા. 2016માં ઢબુડી માતાના ભકત દ્વારા ભીખાભાઈનો સંપર્ક કરી કહ્યું હતું કે ઢબુડી માતા દવા વગર માણસો સાજા કરે છે. જેના કારણે ભીખાભાઈ પોતાના પુત્ર અલ્પેશના જીવની આશાએ રૂપાલ આવ્યા હતા, જ્યારે ઢબુડી માતાએ અલ્પેશને લઈ આવવા જણાવ્યું હતું પરંતુ અલ્પેશ પથારીવશ હોવાને કારણે તેને સુરતથી રૂપાલ લાવવો શકય નથી તેમ કહેતા ઢબુડી માતાએ માત્ર તેના ફોટા ઉપર વિધી કરી તેને સાજો કરી દઈશ તેવો દાવો કર્યો હતો.

આથી ભીખાભાઈએ અલ્પેશના ફોટો સાથે ઢબુડી માતાના દરબારમાં ગયા હતા અને માતાએ ફોટો ઉપર વિધી કરી કહ્યુ હતું કે, હવે અલ્પેશની તમામ દવાઓ બંધ કરાવી દો, આથી ભીખાભાઈએ પુછ્યું હતું કે દવા વગર અલ્પેશ કેવી રીતે સાજો થાય તો માતાએ દાવો કર્યો હતો કે અહિયા મડદા પણ દોડતા થઈ જાય છે, એટલે દવા  બંધ કરી તેમણે કહેલી વિધી માત્ર કરવાની રહેશે, આમ ભીખાભાઈ માતાની વાતમાં આવી ગયા અને તેમણે અલ્પેશની દવા બંધ કરી જેના કારણે સ્થિતિ બગડવા લાગી હતી. ભીખાભાઈએ માતાને અલ્પેશની સ્થિતિની જાણ કરતા કહ્યું કે વિશ્વાસ રાખો તે દવા વગર જ ઉભો થઈ જશે, પણ તેવું થયું નહીં અને અલ્પેશનું મોત નિપજયુ હતું. આમ એકનો એક પુત્ર ગુમાવતા ભીખાભાઈ હતપ્રત થઈ ગયા અને સુરત છોડી પોતાના વતન ગઢડા આવી ગયા હતા.

આમ આ પ્રકારે અનેક લોકોને ઢબુડી માતાએ કહેવાતા ચમત્કારના નામે મુર્ખ બનાવ્યા છે, પણ હમણાં સુધી પોતે મુર્ખ બન્યા છે તેવી કહેવાની હિંમત કોઈ કરતા ન્હોતા પણ હવે સૌથી પહેલી પોલીસ ફરિયાદ કરવાની હિંમત ભીખાભાઈ માળીયા કરી છે.

ભીખાભાઈ માળીયાએ કહ્યું કે ઢબુડી માતાની ચોક્કસ ટોળી છે જે ગરીબોને નિશાન બનાવે છે, પણ હું એટલા માટે ફરિયાદ કરી રહ્યો છું કે મારી જેમ કોઈને પોતાનો પુત્ર ગુમાવવો પડે નહીં.