મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગોંડલના નવાગામે હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતે કૂવામાં પડેલા 8 વર્ષનાં પુત્રને બચાવવા કૂદી પડેલા પિતા દીકરાને બચાવવાને બદલે પોતે પણ મોતને ભેંટ્યા છે. સાથે કામ કરી રહેલી મહિલા પતિ-પુત્રને ડૂબતા જોતી રહી ગઈ હતી. આ ઘટનાને પગલે નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો દોડી ગયો અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત અનુસાર, હરેશભાઈ રવજીભાઈ પત્ની સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. અને તેમનો 8 વર્ષીય પુત્ર દર્શન નજીકમાં રમતો હતો. દરમિયાન અચાનક રમતા-રમતા દર્શન કૂવામાં પડી ગયો હતો. પુત્રના કૂવામાં ખાબકવાનો અવાજ સાંભળીને હરેશભાઈએ પણ કાંઈ વિચાર્યા વિના તેને બચાવવા કૂવામાં જંપલાવ્યું હતું. તેમના પત્ની તો એક બાદ એક બંનેને કૂવામાં પડતા જોઈને હતપ્રભ બની ગયા હતા.


 

 

 

 

જો કે કૂવામાં પાણી ઘણું વધારે હતું. અને હરેશભાઈ પણ ઉતાવળમાં કૂદયા હોવાથી બચાવ માટેનું કોઈ સાધન પણ તેમની પાસે નહોતું. જેને પગલે પુત્રને બહાર કાઢવાને બદલે પોતે પણ ડૂબવા લાગ્યા હતા. બાદમાં હરેશભાઈનાં પત્નીએ બુમાબુમ કરતા ગામનાં લોકો પણ દોડી ગયા હતા. અને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

જો કે ત્યાં સુધીમાં શરીરમાં પાણી ભરાઈ જવાને લઈ પિતા-પુત્ર બંનેના મૃતદેહો જ બહાર આવ્યા હતા. જેને જોઈને હરેશભાઈનાં પત્નીએ રીતસરનો આક્રંદ મચાવ્યો હતો. આ ઘટનાને લઈને ગામલોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.