પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  બાળ માનસને વાસ્તવીકતા સાથે કોઈ નિસ્બત હોતી નથી, તે પોતાની કલ્પનામાં જ રાચતો હોય છે. જ્યારે ટેલીવિઝન અને વિડીયો ગેમનો જમાનો ન્હોતો અને બાળકો જ્યારે અખબારમાં આવતી બાળ કથાઓ વાંચતા હતા ત્યારે તેઓ કથાના પાત્રને પોતાનો સુપર હિરો માનતા હતા. કાળક્રમે આધુનિકરણના વાયરાને કારણે બાળકોનો સુપર હિરો બદલતો ગયો. આમ દરેકનો સુપર હિરો અલગ અલગ હોઈ શકે છે. આમ છતાં દરેક બાળકનો એક સુપર હિરો કોમન હોય છે અને તે સુપર હિરો એટલે તેનો પિતા હોય છે. બાળક જન્મે અને પિતાની આંગળી પકડી ચાલતા શીખે ત્યારથી તે પોતાના બાળ માનસમાં તેને પોતાનો હિરો માનતો હોય છે. આખી આ પ્રક્રિયા આપોઆપ ચાલતી પ્રક્રિયા છે, બાળકને કોઈ તેના સુપર હિરોની વાર્તાઓ કહેતુ નથી, તેની બહાદુરીની કથા સંભાળવતુ નથી છતાં બાળક માને છે તેનો સુપર હિરો તેનો પિતા છે.

બાળકના માનસમાં થતી બહુ સ્વભાવીક પ્રક્રિયા પ્રમાણે તે માને છે કે તેનો સુપર હિરો તેની દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ છે, તે માને છે કે તે જ્યારે પણ તકલીફ પડશે તેનો સુપર હિરો તેની અને તકલીફની વચ્ચે ઉભો  રહી જશે અને તકલીફ તેને સ્પર્શ સુધ્ધા કરી શકશે નહીં. પિતા બાળકનો માત્ર સુપર હિરો જ નથી તે અલાદીનના જાદુઈ ચિરાગ જેવો પણ છે. બાળક જેની પણ ઈચ્છા કરે તેનો જાદુઈ ચિરાગ તેની તમામ ઈચ્છાઓ પુરી કરે છે. બાળકને ખબર પડતી નથી કે તેના જાદુઈ ચિરાગ જેવા તેના પિતા તેની ઈચ્છાઓ પુરી કરવા માટે શું અને કઈ રીતે કામ કરે છે, પણ તેની ઈચ્છા પુરી થાય છે તે મનોમન તેના તેના પિતાને શક્તિશાળી અને કોઈ અલૌકિક શક્તિ ધરાવતી વ્યક્તિ સમજવા લાગે છે. બાળક મટી યુવાની સુધી આગળ વધે ત્યાં સુધીમાં એવી અસંખ્ય ઘટનાઓ ઘટે છે જેમાં તેનો સુપર હિરો તેને મુશ્કેલ લાગતા તમામ કામ વખતે તેની પાસે હાજર થઈ જાય છે, તેના માટે આ તમામ ઘટનાઓ કોઈ ચમત્કાર કરતા ઓછી હોતી નથી.

બાળક ક્યારેય કલ્પના કરી શકતુ નથી કે તેનો સુપર હિરો હારી પણ જાય. કદાચ તેના કારણે પિતા પોતાની અસહ્ય વેદનાઓ વખતે બાળક સામે રડવાનું પસંદ કરતો નથી. તમે 100 બાળકોને પુછો કે તમે તમારા સુપર હિરો પિતાની આંખમાં ક્યારેય આંસુ જોયા? તો કદાચ 100માંથી બે બાળકો પણ કહે કે અમે અમારા પિતાની આંખમાં આંસુ જોયા તો આ આંકડો પણ મને મોટો લાગે છે. બાળકનો સુપર હિરો થાકી પણ જાય છે અને હારી પણ જાય છે. છતાં તે બાળકને તેની હાર અને થાકનો ક્યારેય અહેસાસ થવા દેતો નથી કારણ પિતા ખુદ પણ માને છે કે હિરોએ ક્યારેય હારવાનું અને થાકવાનું હોતુ નથી.સામાન્ય રીતે આપણે ત્યાં માતાના પ્રેમ અને બલીદાનની ખુબ ચર્ચા થાય છે, પણ પિતા એક એવુ પાત્ર છે જેની ચર્ચા ભાગ્યે જ કોઈ કરે છે. અને પિતાને તેવી અપેક્ષા પણ હોતી નથી તેના બાળક સહિત અન્ય કોઈ તેની ચર્ચા પણ કરે.

રસ્તા ઉપર વાહન ચલાવતી વ્યક્તિઓ વચ્ચે મેં અનેક વખત ઝઘડો થતાં જોયો છે. ઘણી વખત ઝઘડો થાય ત્યારે કોઈ વાહન ચાલકની સાથે તેનું બાળક હોવાનું પણ મેં જોયુ છે. જ્યારે પિતા સાથે કોઈ વ્યક્તિને ઝઘડો થાય ત્યારે બાળકની આંખમાં થતાં ફેરફારને મેં જોયા છે. પહેલા તો કોઈ પોતાના પિતાને નુકશાન પહોંચાડશે તેવો ડર તેની આંખોમાં હોય છે અને ત્યાર બાદ ઝઘડામાં તેનો હિરો હારવો જોઈએ નહીં તેવો ભાવ હોય છે. જ્યારે કોઈ તેના પિતાને વઢે ત્યારે તેને બહુ માઠુ લાગે છે.તે પોતાના પિતાની હાજરીમાં  શબ્દોમાં સમજાવી શકાય નહીં તેવી સુરક્ષાનો અહેસાસ થાય છે.મેળામાં જ્યારે બાળક પિતાની આંગળી પકડી ચાલે છે ત્યારે હજારો લોકોની હાજરીમાં પણ તેને ડર લાગતો નથી, પણ જેવી પિતાની આંગળી છુટે તેની સાથે પિતા બાજુમાં હોવા છતાં તેને ખોવાઈ જવાનો ડર લાગે છે.

બાળક શારિરીક રીતે મોટો થઈ યુવાન થાય અને પિતા સમયની સાથે વૃદ્ધ થાય છતાં તેનો સુપર હિરો તેની માટે તો સુપર હિરો જ રહે છે. હવે યુવાન થઈ ગયેલા બાળકોને પોતાની રોજની જરુરીયાત માટે પોતાના પિતાની જરૂર પડતી નથી છતાં તેનો સુપર હિરો તેની સાથે જીંદગીભર રહે તેવી તેની ઈચ્છા હોય છે. સવારે નોકરીએ જતો યુવાન જ્યારે સાંજે ઘરે આવી પિતાને જુવે છે ત્યારે તેનો દિવસભરનો થાક ઉતરી જાય છે. તેને ત્યારે પણ બાળપણ જેવો અહેસાસ હોય છે કે તે ભલે મોટો થયો પણ તેની કોઈ પણ તકલીફમાં તેનો પિતા તેની સાથે અને પાસે છે. મારા પિતાનું અવસાન થયુ ત્યારે મારી ઉમંર ત્રીસ વર્ષની હતી અને પત્રકારત્વમાં મને દસ વર્ષ થઈ ગયા હતા. આ દસ વર્ષ દરમિયાન મારા પિતાને મારી જ્યારે પણ જરૂર પડી ત્યારે મારી શક્તિ અને વગનો ઉપયોગ કરી મેં તેમને મદદ કરી હતી. પરંતુ જ્યારે તેમનું અવસાન થયુ ત્યારે ત્રીસ વર્ષની ઉંમરે મને લાગ્યુ કે હું એકલો પડી ગયો કારણ મારો સુપર હિરો મને મુકી જતો રહ્યો હતો.

પિતા વૃધ્ધ થાય અને કદાચ બિમાર થઈ પથારીવશ પણ હોય છતાં પથારીવશ પિતાની પણ પુત્રને એટલી જ જરૂર હોય છે. પિતા પથારીમાંથી હોય અને હાલીચાલી શકતા પણ ના હોય તો પણ પથારીમાં રહેલો તેનો સુપર હિરો- સુપર હિરો જ હોય છે.