મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોએ લોકો મોટી સંખ્યામાં પદયાત્રા યોજી મંદિરમાં બિરાજતા માતાજી અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. કોઈ સંતાનપ્રાપ્તિ માટે, નોકરી, ધંધા માટે અને પરિવારજનોની સુરક્ષા માટે બાધા, આખડી અને માનતા રાખતા હોય છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક માઈભકતે તેના પુત્રને વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેના નવા જીવન માટે વૈષ્ણવદેવી દંડવત યાત્રાની બાધા રાખી હતી. પુત્રને નવજીવન પ્રાપ્ત થતા પરિવાર સાથે દંડવત યાત્રાએ નીકળતા અરવલ્લી જિલ્લામાં આગમન થતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 

વીજકરંટથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલ બાળકના પિતાએ તેના સારા સ્વાસ્થ્ય માટે રાખેલી બાધા પૂર્ણ કરવા ૯૦ દિવસ પહેલા મહારાષ્ટ્રથી નીકળેલ દંડવત યાત્રા સાથે પિતા અને તેમના પરિવારનું અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં આગમન થતા લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા.